અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ
દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું સીએમ પદ ફરી એક વખત જોખમમાં હોવાનું જણાય છે. તેમના વિરૂધ્ધ AAPના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.
અરવિંદ કેજરીવાલને સીએમ પદ પરથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા અને દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ કુમારે દાખલ કરી છે. અત્રે જણાવી દઈએ કે કથિત સીડી કાંડ કેસમાં સંદીપ કુમારને વર્ષ 2016માં AAP દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જેલ મુલાકાત વધારવા કેજરીવાલની માંગે EDએ કર્યો વિરોધ, કોર્ટને જણાવ્યુ આ કારણ
સંદીપ કુમારે તેમની અરજીમાં એવો દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક્સાઈઝ પોલિસીમાં તેમની ધરપકડ બાદ તેઓ દિલ્હીનું મુખ્યમંત્રી પદ સંભાળવા માટે અયોગ્ય સાબિત થયા છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ સીએમ અરવિંદ કેજરીવાલને સીએમ પદ પરથી હટાવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે અરજીમાં મૌખિક ટીપ્પણી કરતાં કહ્યું હતું કે કેટલીકવાર વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે.
આ પણ વાંચો: કેજરીવાલ જેલમાં છે તો પાર્ટી માટે શું કરશો? જાણો સંજય સિંહનો જવાબ
આ PIL હિન્દુ સેના નામના સંગઠનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડને ટાંકીને તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.