નેશનલ

ઇઝરાયલનો ગાઝા પર બીજો મોટો હુમલો: ભારે જાનહાનિ

દેર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલના ભૂમિદળે યુદ્ધ વિમાનો અને ડ્રૉન્સની મદદથી ગાઝા પર ભૂમિ માર્ગે બીજો મોટો હુમલો કર્યો હતો. ગાઝા શહેરના સીમાડે અનેક લક્ષ્યનો નાશ કરાયો હોવાનો દાવો કરાય છે.

ઇઝરાયલનું લશ્કર ‘હમાસ’ દ્વારા શાસિત આ વિસ્તારમાં મોટા પાયે ઘૂસી ગયું છે. આ હુમલામાં જાન-માલની મોટા પાયે હાનિ થઇ હોવાનો અંદાજ છે.

દરમિયાન, અમેરિકાના યુદ્ધવિમાનોએ પૂર્વ સિરિયામાંના અનેક લક્ષ્ય પર હુમલો કર્યો હતો. પેન્ટાગોને દાવો કર્યો હતો કે પૂર્વ સિરિયામાં જે વિસ્તારમાં હુમલો કરાયો હતો, તે ઇરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ સાથે સંબંધ ધરાવે છે. અમેરિકા દ્વારા સિરિયા પર કરાયેલા હુમલાને લીધે આ વિસ્તારમાં તંગદિલી વધી છે. ગાઝા વિસ્તારમાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી લડાઇ ચાલી રહી છે. આ યુદ્ધમાં પેલેસ્ટાઇનના ૭,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. અગાઉ, ‘હમાસ’ દ્વારા દક્ષિણ ઇઝરાયલ પર સાતમી ઑક્ટોબરે કરાયેલા હુમલા બાદ ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇનના અનેક વિસ્તારમાં મોટા પાયે હુમલા કરાઇ રહ્યા છે.

ગાઝામાંના આરોગ્ય મંત્રાલયે આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના નામ અને ઓળખપત્રના ક્રમાંકોની યાદી ગુરુવારે જાહેર કરી હતી. આ યુદ્ધમાં ૨,૯૦૦થી વધુ બાળકો અને ૧,૫૦૦થી વધારે મહિલા મૃત્યુ પામી છે.

ઇઝરાયલ સરકારે દાવો કર્યો હતો કે ‘હમાસ’ દ્વારા અમારા વિસ્તારમાં કરાયેલા હુમલામાં ૧,૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાંના મોટા ભાગના સામાન્ય નિર્દોષ નાગરિકો જ હતા. ‘હમાસ’ દ્વારા ગાઝામાં ઓછામાં ઓછા ૨૨૪ પુરુષ, મહિલા, બાળકો અને વૃદ્ધોને બાનમાં રખાયા હોવાનો દાવો કરાય છે. આ યુદ્ધમાં પેલેસ્ટાઇન ઉપરાંત અનેક મુસ્લિમ દેશ પણ જોડાયા છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button