એશિયન પેરા ગેમ્સમાં બીજા દિવસે પણ ભારતનું શાનદાર પ્રદર્શન
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન પેરા ગેમ્સમાં બીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ભારતે બીજા દિવસે ચાર ગોલ્ડ સહિત કુલ ૧૮ મેડલ જીત્યા હતા. આ સાથે એશિયન પેરા ગેમ્સમાં પ્રથમ બે દિવસમાં ભારતના કુલ મેડલની સંખ્યા ૩૫ થઇ ગઇ હતી. બીજા દિવસે ભારત તરફથી પ્રાચી યાદવે પેરા કેનોઇંગ (સેઇલ સેલિંગ)માં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેણે સતત બીજા દિવસે દેશ માટે મેડલ જીત્યો હતો. સોમવારે કેનોઇંગ વીએલ-૨ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનારી પ્રાચીએ
કેએલ-૨ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને આ ગેમ્સનો બીજો મેડલ જીત્યો હતો. દીપ્તિ જીવનજી (મહિલા ટી-૨૦ ૪૦૦ મીટર), શરથ શંકરપ્પા મકનહલ્લી (મેન્સ ટી-૧૩ ૫૦૦૦ મીટર) અને નીરજ યાદવ (મેન્સ એફ-૫૪/૫૫/૫૬ ડિસ્કસ થ્રો)એ મંગળવારે અન્ય ગોલ્ડ મેડલ વિજેતા હતા.
૨૮ વર્ષની પ્રાચીએ કેએલ-૨ ઈવેન્ટમાં ૫૦૦ મીટરનું અંતર કાપવામાં ૫૪.૯૬૨ સેક્ધડનો સમય લીધો હતો. તે ગ્વાલિયરની રહેવાસી છે. આ પછી દિપ્તીએ મહિલા ટી-૨૦ કેટેગરીમાં ૪૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિપ્તીએ ૫૬.૬૯ સેક્ધડના સમય સાથે ગેમ્સ અને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો.
મકનહલ્લી૨૦:૧૮.૯૦ ના સમય સાથે દૃષ્ટિહીન દોડવીરો દ્વારા ૫૦૦૦ મીટરની સ્પર્ધા જીતી હતી. આ ઈવેન્ટમાં માત્ર બે જ ખેલાડીઓએ ભાગ લીધો હોવાથી માત્ર એક ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.
ભારતીયોએ પુરુષોની એફ-૫૪/૫૫/૫૬ ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ત્રણેય મેડલ જીત્યા હતા. જેમાં નીરજ યાદવે ૩૮.૫૬ મીટરના એશિયન રેકોર્ડ અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યોગેશ કથુનિયા (૪૨.૧૩ મીટર) અને મુથુરાજા (૩૫.૦૬ મીટર) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
રવિ રોંગાલી (મેન્સ ગોળાફેંક), પ્રમોદ (મેન્સ ટી-૪૬ ૧૫૦૦મીટર), અજય કુમાર (મેન્સ ટી-૬૪ ૪૦૦મીટર) અને સિમરન શર્મા (વિમેન્સ ટી-૧૨ ૧૦૦મીટર) એ ટ્રેક ઈવેન્ટ્સમાંથી એક-એક સિલ્વર મેડલ જીત્યો હતો. રાકેશ ભૈરાએ પુરુષોની ટી-૪૬ ૧૫૦૦ મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પેરા શૂટિંગમાં રુદ્રાક્ષ ખંડેલવાલ અને મનીષ નરવાલે પી-૧ પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલ એસએચ૧ સ્પર્ધામાં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો હતો. જ્યારે રૂબિના ફ્રાન્સિસે પી૨ મહિલા ૧૦ મીટર એર પિસ્તોલ એસએચ-૧ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિવસના બ્રોન્ઝ મેડલ વિજેતાઓમાં પ્રાચીના પતિ મનીષ કૌરવ (મેન્સ કેએલ-૩ ડીંગી) પણ સામેલ હતા. તેમના સિવાય અશોક (મેન્સ ૬૫ કિગ્રા પાવરલિફ્ટિંગ), ગજેન્દ્ર સિંહ અને એકતા ભયન (વિમેન્સ એફ-૩૨/૫૧ ક્લબ થ્રો)એ પણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.