બિહારમાં વધુ એક પુલ તૂટી પડ્યોઃ 15 દિવસમાં સાતમી દુર્ઘટના
સિવાન: બિહારનાં સિવાન જિલ્લામાં ગંડકી નદી પરના પુલનો એક ભાગ બુધવારે સવારે તૂટી પડ્યો હતો, જે છેલ્લા ૧૫ દિવસમાં રાજ્યમાં સાતમી દુર્ઘટના ઘટી છે. જિલ્લાના દેવરિયા બ્લોકમાં આવેલો આ નાનો પુલ કેટલાય ગામોને મહરાજગંજ સાથે જોડે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સિવાનમાં છેલ્લા ૧૧ દિવસમાં પુલ ધરાશાયી થવાની આ બીજી ઘટના છે.
ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બ્લોકના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને હું પણ ત્યાં જઈ રહ્યો છું. આ ઘટના સવારે ૫ વાગ્યાની આસપાસ બની હતી. પ્રારંભિક માહિતી મુજબ, બ્રિજ ૧૯૮૨-૮૩માં બાંધવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પુલ પર સમારકામનું કામ ચાલી રહ્યું હતું, તેવું કુમારે ઉમેર્યું હતું.
આ ઘટનાનાં માત્ર ૧૧ દિવસ પહેલા સિવાનમાં ૨૨ જૂને દારુંડા વિસ્તારમાં આવેલા પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. તાજેતરમાં મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજ જેવા જિલ્લાઓમાં સમાન ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે બિહાર સરકારે આ ઘટનાઓની તપાસ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી.