આઝમ ખાનને વધુ એક ઝટકો, જૌહર ટ્રસ્ટની જમીન પરત લેશે યુપી સરકાર, અખિલેશે કહ્યું ‘ખોટો નિર્ણય..’

ઉત્તરપ્રદેશની યોગી સરકારે સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો આપતા જૌહર ટ્રસ્ટની જમીન પરત લેવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. ઉત્તરપ્રદેશ કેબીનેટની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકૃતિ આપી દેવાઇ છે.
માધ્યમિક શિક્ષા વિભાગે રામપુરમાં મૌલાના મોહમ્મદ જૌહર ટ્રસ્ટને ભાડાપટ્ટે આપેલી જમીન અને મકાનને પરત લેવાનો નિર્ણય લીધો છે. ભાડા કરારની શરતોનું પાલન ન થતા આ નિર્ણય લેવાયો છે. આથી જમીન ટ્રસ્ટ પાસેથી પાછી ખેંચાઇ છે.
આ મામલે સપા નેતા અખિલેશ યાદવે નિવેદન આપ્યું છે કે સરકારે આ ખોટો નિર્ણય લીધો છે. કામગીરી ફક્ત એટલા માટે કરવામાં આવી રહી છે કેમકે આઝમ ખાન મુસ્લિમ છે.
રામપુરના ભાજપ ધારાસભ્ય આકાશ સક્સેનાએ વિગતવાર જણાવતા કહ્યું, આ કેસ 1990થી પણ જૂનો છે. રામપુરમાં એક સરકારી શાળા હતી જેમાં 4 હજાર બાળકો અભ્યાસ કરતા હતા. આઝમ ખાને આખું બિલ્ડીંગ ખાલી કરાવી સમગ્ર જમીન જૌહર ટ્રસ્ટને નામે કરી દીધી અને 4 હજાર બાળકોનું ભવિષ્ય બરબાદ કર્યું. સમાજવાદી પાર્ટીની સરકાર બની તે સમયે તેમણે લીઝ ટ્રાન્સફર કરી તેને રામપુર પબ્લિક સ્કૂલમાં પરિવર્તિત કરી દીધી. અમે તે સમયે આનો વિરોધ કર્યો હતો. અમારી ફરિયાદ સાચી ઠરી. ફક્ત 100 રૂપિયામાં 100 કરોડની જમીન આપી દેવાય તે કઇ રીતે શક્ય બને?
નકલી પ્રમાણપત્રો મામલે આઝમ ખાન, તેમના પત્ની તંજીમ ફાતિમા અને પુત્ર અબદુલ્લા આઝમને 18 ઓક્ટોબરે 50 હજારના દંડ સાથે 7 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આઝમ ખાન અને તેના પુત્ર અબદુલ્લા આઝમને રામપુર જેલમાંથી હટાવી અલગ અલગ જેલોમાં શિફ્ટ કરાયા છે.