નેશનલ

જાપાનમાં ફરી મોટો ધરતીકંપ

સુનામીનો ભય, પણ અણુઊર્જા મથક સુરક્ષિત

ભૂકંપ: પૂર્વ તાઈવાનના હૂઆલિન શહેરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના એક દિવસ બાદ એટલે કે ગુરુવારે ઢળી પડેલી ઈમારતોની આસપાસ કાટમાળ. (એજન્સી)

ટોક્યો (જાપાન): પૂર્વ જાપાનના હોન્શુ ટાપુના કાંઠાની નજીક ગુરુવારે ૬.૩ની તીવ્રતાવાળો ભૂકંપ થતાં સુનામીનો ભય ઊભો થયો હતો.

યુરોપિયન – મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે જાપાનમાં ગુરુવારે ૩૨ કિલોમીટર (૧૯.૮૮ માઇલ)ની ઊંડાઇએથી ભૂકંપના આંચકા લાગ્યા હતા. આમ છતાં, ટોક્યોમાં આવેલા ધરતીકંપના આંચકાનું ઉદ્ભવ કેન્દ્ર ૪૦ કિલોમીટર (પચીસ માઇલ) ઊંડે હતું.

ફુકુશીમા અણુઊર્જા મથકની સંચાલક કંપની ‘ટીઇપીસીઓ’એ જણાવ્યું હતું કે ભૂકંપને લીધે અણુઊર્જા મથકને કે તેના રિએક્ટરોને કોઇ નુકસાન નથી થયું અને બધું સલામત છે.

દ્વીપસમૂહના બનેલા આ રાષ્ટ્રની વસતિ ૧૨.૫ કરોડની છે અને ત્યાં અવારનવાર ધરતીકંપ આવે છે.

અમેરિકાના જિયોલોજિકલ સર્વેના
અહેવાલ મુજબ જાપાનમાં આવેલા ધરતીકંપની તીવ્રતા ૬.૧ હતી અને તેનું ઉદ્ગમ કેન્દ્ર ૪૦.૧ કિલોમીટરની ઊંડાઇએ હતું.

તાઇવાનમાં બુધવારે અંદાજે ૭.૭ની તીવ્રતાવાળા ધરતીકંપને લીધે જાપાન અને ફિલિપાઇન્સમાં સુનામીનો ભય સર્જાયો હતો.

અગાઉ, જાપાનમાં ૨૦૧૧ના માર્ચમાં દરિયામાં નવની તીવ્રતાવાળા આવેલા ભૂકંપને લીધે આશરે ૧૮,૫૦૦ લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. ફુકુશીમા અણુઊર્જા મથકના ત્રણ રિએક્ટરને નુકસાન થતાં કિરણોત્સર્ગી પદાર્થોના ફેલાવાનું જોખમ થયું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button