સિંગાપોરમાં કોરોનાની ફરી ચિંતાજનક લહેર
ડૉક્ટરોની લોકોને રસી લેવાની અને માસ્ક પહેરવાની સલાહ
સિંગાપોર : કોવિડ-૧૯, ઈન્ફલૂએન્ઝા અને સામાન્ય શરદી જેવી શ્ર્વસન ચેપની બીમારીના કેસમાં વર્ષના અંતમાં જોવા મળતા વધારાને પગલે ડૉક્ટરોએ લોકોને રસી લેવાની અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
૧૨૦ ક્લિનિક ધરાવતી જનરલ પ્રેક્ટિસ ડૉક્ટરની ચેન હેલ્થવે મેડિકલ અને ૫૫ ક્લિનિક ધરાવતી પાર્કવે શેન્ટોને માહિતી આપી હતી કે શ્ર્વાસની બીમારીમાં ૩૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ૪૩ ક્લિનિક ધરાવતી રેફલ્સ મેડિકલે પણ શ્ર્વસન ચેપના કેસમાં વધારો નોંધ્યો હતો. આરોગ્ય મંત્રાલયે બીજી ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા અઠવાડિયાના જાહેર કરેલા આંકડા પ્રમાણે સિંગાપોરની ૨૫ પોલિક્લિનિકમાં શ્ર્વસન ચેપના કેસની સરેરાશ ૨૯૭૦ની છે આની તુલનામાં ૨૦૧૮થી ૨૦૨૨ના દૈનિક કેસની મેડિયન ૨૦૦૯ની હતીે. જોકે મહામારી પૂર્વેના વર્ષોથી આ સંખ્યા ઓછી છે. ત્યારે ૩૦૦૦થી ૩૫૦૦ની સરેરાશ નોંધાઈ હતી. જોકે
છેલ્લાં ત્રણ વર્ષોમાં કોરોના સામેની સાવચેતીને લીધે આ આંકડો નીચો હતો. ૨૦૨૦ અને ૨૦૨૧માં ડિસેમ્બરની શરૂઆતમાં ૧૦૦૦થી ઓછા કેસ નોંધાયા હતા.
પોલિક્લિનિક્સે ૨૦ ટકા ગંભીર કેસ હાથ ધર્યા હતા, જ્યારે બાકીના કેસ ૧૮૦૦ જીપી ક્લિનિકે હાથ ધર્યા હતા.
આજ અઠવાડિયામાં ૩૨,૦૦૦ લોકોને કોરોના થયો હોવાનું નિદાન થયું હતું. આમાંથી ૪૬૦ને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને નવને ઈન્ટેન્સિવ કેર યુનિટની જરૂર પડી હતી. કોરોનાની આ લહેરને લીધે બેડની તંગી સર્જાઈ હતી.
ચેપી રોગના નિષ્ણાત સુ લિ યાન્ગે કહ્યું હતું કે રજાની મોસમમાં કોવિડ-૧૯ જેવી શ્ર્વસનની બીમારી વધી જાય છે. આપણે આ ચેપ ફેલાય નહીં તેમ જ બીજાનો ખ્યાલ રાખવો જોઈએ. ભીડવાળી જગ્યાઓમાં લોકો માસ્ક પહેરે . જો બીમાર હોય તો ઘરે રહે તથા ફ્લૂની રસી અને કોરોનાનો બુસ્ટર ડોઝ લે. (એજન્સી)



