અણ્ણા હજારેએ કેજરીવાલ પર સાધ્યું નિશાન, ‘જેમની પાછળ ED પડી હોય તેમને મત ના આપશો’
નવી દિલ્હી: દેશના જાણિતા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ ઘણા સમય બાદ ફરી એક વખત મેદાનમાં આવ્યા છે. આજે સોમવારે તેમણે તેમના એક સમયના શિષ્ય કહેવાતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને નિશાન સીધી આકરા પ્રહારો કર્યા હતા. અણ્ણાએ મતદારોને અપીલ કરી છે કે દેશની ચાવી સાચા હાથમાં સોંપવી જોઈએ, નહીં તો આ દેશ બચશે નહીં. તેમણે કહ્યું કે યોગ્ય ઉમેદવારને પસંદ કરો નહીં કે જેમની પાછળ ED પડી હોય.
અણ્ણા હજારેએ કહ્યું કે આજે દેશભરમાં લોકશાહીનો મોટો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને દરેકે તેમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. અણ્ણાએ વધુમાં કહ્યું કે ચારિત્ર્યવાન અને ઈમાનદાર વ્યક્તિના પક્ષમાં મતદાન કરવું જોઈએ. તેમણે કહ્યું કે દેશની ચાવી માત્ર મતદારોના હાથમાં હોય છે અને તેને યોગ્ય હાથમાં સોંપીને તેને યોગ્ય રીતે ચૂંટવો જોઈએ.
અગ્રણી સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું કે એવા ઉમેદવારોને જ પસંદ કરવા જોઈએ જેમની છબી એકદમ સ્વચ્છ હોય. એવા બધા લોકોને પસંદ ન કરો કે જેમની પાછળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પડી હોય. કેજરીવાલ પર નિશાન સાધતા અણ્ણાએ કહ્યું કે હું દિલ્હી લિકર કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલનું નામ સામે આવવાની આકરી ટીકા કરું છું.
તેમણે આ ભ્રષ્ટાચાર એટલા માટે કર્યો કારણ કે તેમને દારૂની લતમાં ડુબેલા છે, આવા લોકોને ફરીથી ચૂંટવા ન જોઈએ. ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારે આ અગાઉ પણ ઘણા પ્રસંગોએ અરવિંદ કેજરીવાલ પર દિલ્હી લિકર કૌભાંડ કેસમાં નિશાન સાધી ચૂક્યા છે.