અંકિતા ભંડારી કેસમાં નવો ખૂલાસો: BJP ના વિધાનસભ્યએ રિસોર્ટ પર બે વાર બુલડોઝર ચલાવવાનો આપ્યો હતો આદેશ
નવી દિલ્હી: ઉત્તરાખંડના બહૂચર્ચિત અંકિતા ભંડારીની હત્યાના કેસમાં હાલમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. આ કેસના સાક્ષી અને બુલડોઝર ચલાવનાર દિપકે કોર્ટમાં પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, તેણે તત્કાલીન ઉપજિલ્લા અધિકારી (SMD) અને ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યના કહેવા પર આ હત્યાકાંડના આરોપી પુલકીત આર્યના વનંત્રા રિસોર્ટમાં જેસીબી ચલાવ્યું હતું.
ઋષિકેશનના શ્યામપૂરમાં રહેનારા દીપકે શુક્રવારે અપર જિલ્લા અને સત્ર ન્યાયાધિશ રીના નેગીની અદાલતમાં પોતાનું નિવેદન આપ્યું હતું. દિપકે કહ્યું કે, તેણે તત્કાલિન ઉપજિલ્લા અધિકારી અને યમકેશ્વરના પ્રવર્તમાન વિધાનસભ્ય રેણૂ બિષ્ટના કહેવા પર જેસીબી ચલાવી રિસોર્ટનો ગેટ, તાર દિવાલો, બે રુમની દિવાલો અને બારીઓ તોડી હતી. બચાવ પક્ષના પ્રતિવાદી વકીલ અનુજ પુંડીર અને અમિત સજવાણના જણાવ્યા મુજબ દિપકે કોર્ટમાં કહ્યું કે, તે સમયે એ સત્યેન્દ્ર સિંહ રાવતની જેસીબી ચલાવતો હતો. અને એમ ના કહેવા પર જ તેણે 23 ડિસેમ્બરના રોજ જેસીબી લઇને વનંત્રા રિસોર્ટ ગયો હતો.
તેણે કહ્યું કે, તત્કાલીન ઉપજિલ્લા અધિકારીના આદેશ અનુસાર એણે રિસોર્ટનો ગેટ અને ચાર દિવાલો તોડી હતી. ત્યાર બાદ તે હરિદ્વાર જવા રવાના થયો હતો. તેણે કહ્યું કે તે હરીદ્વારમાં શિવમૂર્તિ પાસે પહોંચ્યો જ હતો અને ત્યાં તેને વિધાનસભ્ય રેણૂ બિષ્ટના પર્સનલ સેક્રેટરીનો ફોન આ આવ્યો અને તેણે ફરીથી જેસીબી સાથે રિસોર્ટ પહોંચવા કહ્યું હતું. તે જ્યારે જેસીબી લઇને રિસોર્ટ પહોચ્યો ત્યારે રેણૂ બિષ્ટ પણ ત્યાં હાજર હતા અને તેમના કહેવા પર જ દિપકે બે રુમની દિવાલો અને બારીઓ તોડી હતી. તેણે વધુમાં જણાવ્યું કે, રેણૂ બિષ્ટે તેને એ રાત્રે રિસોર્ટના જ એક બીજા રુમમાં રોકાવા માટે કહ્યું હતું.
આ કેસમાં શરુઆતથી જ આક્ષેપ છે કે સ્થાનિક વિધાનસભ્યએ પુરાવા મટાડવાનું કામ કર્યું છે. જોકે રેણૂ બિષ્ટ કાયમ આ વાતને નકારતા રહ્યાં છે. અંકિતાની હત્યા બાદ જો રિસોર્ટ પર ક્રાઇમ સીન પ્રોટેક્ટ થઇ જાત તો ઘણાં મહત્વના પુરાવા મળી શક્યા હોત. હવે જેસીબી ચાલકના નિવેદન બાદ એ વાત સાફ થાય છે કે રિસોર્ટમાં જેસીબી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેને કારણે મહત્વના પુરાવા નષ્ટ થયા છે.