અંજુને છેક હવે યાદ આવ્યાં બાળકો, કરી રહી છે ભારત આવવાની તૈયારીઓ…
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે નિકાહ કરીને રહેતી અંજુ હવે બાળકો યાદ આવ્યાં છે. તેને કોઈ પણ રીતે હવે ભારત આવવું છે. અંજુએ પોતે જાહેરાત કરી છે કે તે ઓક્ટોબરમાં એકલી ભારત પરત ફરશે.
અંજુએ કહ્યું હતું કે તે એકલી ભારત જવા માંગે છે અને નસરુલ્લાને ભારત પહોંચીને પછી ફોન કરશે. અંજુએ કહ્યું હતું કે તેને તેના બાળકોને ખૂબ જ યાદ આવે છે અને તે પોતાના બાળકોને મળવા માટે ખુબજ ઉત્સાહિત છે. બાળકો મારી રાહ જોઈ રહ્યા છે. જો કે અંજુના પહેલા પતિ અરવિંદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસની માંગણી પણ કરી છે તેમજ એવો દાવો પણ કર્યો હતો કે અંજુને ISIની મદદ મળી હતી. આ તમામ ઘટનાઓ બાદ કોઈપણને સવાલ થાય કે શું અંજુને ભારત પહોંચતા જ અટકાયતમાં લેવામાં આવશે?
પાકિસ્તાન ગયા બાદ અંજુએ હવે નસરુલ્લા સાથે નિકાહ કરીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે અને તેનું નવું નામ ફાતિમા થઈ ગયું છે. હાલમાં તે ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં નસરુલ્લા સાથે રહે છે. અંજુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર ડાન્સિંગ અને ટ્રાવેલિંગના વીડિયો પણ પોસ્ટ કરે છે. અંજુએ જણાવ્યું હતું કે તે ભારત પરત જવાની છે. નસરુલ્લાએ પણ ભારતીય મીડિયા સાથે વાત કરતા આ વાત સ્વીકારી હતી. નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ પોતાના બાળકોને ના મળી શકવાને કારણે માનસિક રીતે પરેશાન થઈ ગઈ છે.
નસરાલ્લાહે કહ્યું હતું કે અંજુ તેના બાળકોને ખૂબ જ મિસ કરી રહી છે. નસરુલ્લાએ અંજુના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત પરત ફરવું જ તેના માટે સારું રહેશે. કારણકે ભારતમાં જઈને અંજુ તેના બાળકોને મળી શકશે. નોંધનીય છે કે અંજુને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાને પણ અંજુ સાથે ભારત આવવું હતું પરંતુ અંજુએ ના પાડતા કહ્યું હતું કે તે પહેલા એકલી ભારત જશે.
અંજુના પતિ અરવિંદની સાથે જ અંજુના બંને બાળકો રહે છે. અને જો અંજુ બાળકોને મળવા માટે અરવિંદ પાસે જશે તો વિવાદ ફરી ભડકી શકે છે. અંજુએ એમ પણ કહ્યું હતું કે તે પરત તેના બાળકો સાથે પાકિસ્તાન જશે. જો અંજુ આવું કરશે તો અરવિંદ સાથે કાનૂની વિવાદ શરૂ થઈ શકે છે. અગાઉ અંજુએ તેના પતિ અરવિંદને જયપુર જવાનું કહ્યું હતું અને પછી તે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. અરવિંદનો દાવો છે કે હજુ સુધી છૂટાછેડા પણ થયા નથી અને અંજુએ પાકિસ્તાનમાં લગ્ન કરી લીધા છે જે સાવ ખોટું છે.
ઉલ્લેખનીય છે કે અંજુને પાકિસ્તાનમાં જમીન અને ઘણી બધી ભેટ પણ મળી હતી. પાકિસ્તાન સરકારે અંજુનો વિઝા પણ એક વર્ષ માટે લંબાવ્યો છે.