હરિયાણામાં વીજ ‘ટંકાર’થી તાવડો ગરમ ‘ભાજપની સરકાર, તો હું મુખ્યમંત્રી’-
દેશમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી છે સાથોસાથ હરિયાણામાં પણ ચૂંટણીનો તાવડો ગરમ છે.ભાજ્પ્થિ નારાજ બે કદાવર નેતાઓએ ,કોંગ્રેસનો ખેસ પહેરી લેતા ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો છે ત્યાંજ ખટ્ટર સરકારના એક પૂર્વ મંત્રીએ દાવો ઠોકતા કહ્યું છે કે, હરિયાણામાં ભાજપની સરકાર આવશે તો હું મુખ્યમંત્રી બનીશ. પૂર્વ મંત્રીના આ નિવેદનથી માત્ર હરિયાણા જ નહીં પણ દિલ્લી દરબારમાં પણ નિવેદનના પડઘા સંભળાયા છે.
હરિયાણાના અંબાલાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અનિલ વિજે આગામી વિધાન સભા ચૂંટણીમા ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોવાનો સ્વૈચ્છીક દાવો કરવા પત્રકાર પરિષદ યોજી હતી, અનિલ વિજના આવા પ્રકારના દાવાથી ભાજપની છાવણીમાં ભારે હલચલ જોવા મળી છે.
હરિયાણા સરકારના પૂર્વ મંત્રી અને બડબોલા તરીકે ઓળખાતા અનિલ વિજે પોતાની સિનિયોરિટીના દમ પર પાર્ટી પાસેથી મુખ્યમત્રી પદની માંગ કરી છે. અનિલ વિજે કહ્યું કે ‘હું હરિયાણામાં ભાજપનો સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છું. હું છ વખત ચૂંટણી લડ્યો છું. મેં પાર્ટી પાસેથી ક્યારેય કંઈ માંગ્યું નથી. પરંતુ લોકોની માંગ પર આ વખતે હું મારી સિનિયોરિટીના આધારે સીએમ પદ માટે દાવો કરીશ.’ ઉપરાંત વિજેએ ઉમેર્યું કે, ‘હું જ્યાં પણ ગયો છું ત્યાં બધા મને કહે છે કે તમે ‘સિનિયર મોસ્ટ’ છો તો તમે CM કેમ ન બન્યા? આવી સ્થિતિમાં લોકોની માંગ પર આ વખતે હું મારી સિનિયોરિટીના આધારે મુખ્યમંત્રી બનવાનો દાવો કરીશ. જો સરકાર બનશે અને પાર્ટી મને સીએમ પદ આપશે તો હું હરિયાણાનું ભાગ્ય અને ચિત્ર બંને બદલી નાખીશ.’
આ પણ વાંચો : ‘BJP-RSSના વિચારો મહિલા વિરોધી’, રાહુલ ગાંધીએ યુએસમાં વિદ્યાર્થીઓને કહ્યું
જો કે, વિજે કહ્યું કે મને સીએમ બનાવવા માંગે છે કે નહીં, તે નિર્ણય હાઈકમાન્ડના હાથમાં છે. નોંધનીય છે કે, અનિલ વિજ અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેઓ મનોહર લાલ ખટ્ટર સરકાર દરમિયાન હરિયાણાના ગૃહમંત્રી હતા અને તાજેતરના ફેરબદલ જેમાં નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
અગાઉ પણ વિજે કેબિનેટમાંથી બહાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ મને પાર્ટીમાં ‘અજાણ’ બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે અનિલ વિજના આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.