અનિલ અંબાણીની નાદાર કંપની હવે હિન્દુજાને હવાલે
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે અનિલ અંબાણીની દેવામાં ડુબેલી કંપની રિલાયન્સ કેપિટલ માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. રિઝર્વ બેંકના આ પગલાથી હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)દ્વારા રિલાયન્સ કેપિટલના અધિગ્રહણનો માર્ગ સાફ થઈ ગયો છે. દરમિયાન, રિલાયન્સ કેપિટલના ટ્રેડિંગ પર ફરી એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. BSE ઇન્ડેક્સ પર ટ્રેડિંગ રિસ્ટ્રિક્ટેડનો મેસેજ દેખાય છે.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલે શેરબજારને જણાવ્યું હતું કે એડમિનિસ્ટ્રેટરને 17 નવેમ્બર, 2023 ના રોજ પત્ર દ્વારા ભારતીય રિઝર્વ બેંક તરફથી “કોઈ વાંધો નથી” એવો લેટર મળ્યો છે. નોંધનીય છે કે એપ્રિલમાં આયોજિત હરાજીના બીજા રાઉન્ડમાં, હિન્દુજા ગ્રૂપની IIHL દેવાથી ડુબેલી રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા માટે રૂ. 9,650 કરોડની ઓફર સાથે સૌથી વધુ રકમની બોલી લગાવનાર તરીકે ઉભરી હતી.
2021માં બોર્ડનું વિસર્જન: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 29 નવેમ્બર, 2021ના રોજ પેમેન્ટ ડિફોલ્ટ અને ગંભીર ગવર્નન્સ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રિલાયન્સ કેપિટલના બોર્ડનું વિસર્જન કર્યું હતું. રિઝર્વ બેંકે પેઢીની કોર્પોરેટ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા (CIRP)ના સંબંધમાં નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, RBI દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરે રિલાયન્સ કેપિટલના વેચાણ માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ આમંત્રિત કર્યા હતા.
જાણકારી ખાતર કે રિલાયન્સ કેપિટલ ત્રીજી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) છે જેની સામે રિઝર્વ બેંકે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. આ સિવાય બે અન્ય NBFC કંપની Srei ગ્રુપ અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) હતા.