Anil Ambani ની મુશ્કેલીમાં વધારો, કેનરા બેંકે હવે ત્રણ કંપની પર કરી આ કાર્યવાહી

મુંબઇ : અનિલ અંબાણીની(Anil Ambani)મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રિલાયન્સ પાવરને નકલી ડોક્યુમેન્ટ જમા કરાવાના કેસમાં સોલર એનર્જી કોર્પોરેશને નોટિસ ફટકારી છે. તો બીજી તરફ કેનરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યા છે. કેનેરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ ઇસ્યુ કરી છે અને તેના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે.
લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યા
નાદાર થયેલી ટેલિકોમ કંપની આરકોમને શુક્રવારે મોકલવામાં આવેલી નોટિસ અનુસાર, કેનેરા બેંકે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને તેની સહાયક કંપનીઓના લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યા છે. આમ કરનાર આ ચોથી બેંક છે. આ અગાઉ ડિસેમ્બર 2020માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે કંપનીના ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યા હતા.
શું છે સમગ્ર મામલો
28 ઓક્ટોબરના રોજ કેનેરા બેંક દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ આપવામાં આવી હતી અને 5 નવેમ્બરના રોજ રિલાયન્સ કોમ્યુનિકેશનને કેનેરા બેંક તરફથી લેટર મોકલ્યો હતો. જ્યારે શુક્રવાર 16 નવેમ્બરના રોજ કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી કે તેને કેનેરા બેંક તરફથી તેના ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ વર્ગીકૃત કરવા માટે એક પત્ર મળ્યો છે.
રૂપિયા 31,580 કરોડની લોન લીધી હતી
આ પત્રમાં ત્રણેય કંપનીઓના ઓડિટ બાદ મળેલા છેતરપિંડીના પુરાવાના આધારે લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કરવામાં આવી છે. આરકોમે માત્ર રિ-પેમેન્ટમાં ડિફોલ્ટ જ નથી કર્યું, પરંતુ મંજૂરીની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ઓડિટ મુજબ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની પેટાકંપનીઓ – રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલે વિવિધ બેંકો પાસેથી સામૂહિક રીતે રૂપિયા 31,580 કરોડની લોન લીધી હતી.
લોનની ચુકવણીના નિયમો અને શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન
માર્ચ 2017માં કંપનીએ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી હતી અને લોનની સાથે ગેરંટી પત્રો પણ સામેલ કર્યા હતા, જે બેંકની લોનની ચુકવણીના નિયમો અને શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. બેંકે આરકોમ અને નકલી દેવાદારોના નાણાં માફ કરવા અને વેચાણ ઈનવોઈસ ફંડિંગનો દુરુપયોગ કરવા માટે પણ દોષિત ઠેરવ્યા છે.
સ્ટોક એક્સ્ચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે આ ક્રેડિટ સુવિધાઓ હાલની નાદારી પ્રક્રિયા પૂર્વેની છે. જેને નાદારીની પ્રક્રિયા અથવા લિક્વિડેશનના ભાગ રૂપે ઉકેલવાની જરૂર છે.