આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ: ભૂસ્ખલનમાં દટાતા 5ના મોત, પાણીના પ્રવાહમાં વહી જતા 3ના મોત…
વિજયવાડા: હાલ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસી (Heavy Rain in Andra Pradesh) રહ્યો છે, વિજયવાડા શહેર(Vijayawada)માં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત થયા છે. ગુંટુર જિલ્લામાં વહેતા પાણીના પ્રવાહમાં કાર વહી જતા ત્રણ મુસાફરોના મોત થયા છે.
આ પણ વાંચો : Wayanad landslides: વાયનાડમાં 300 લોકો હજુ પણ લાપતા, આશા-નિરાશા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
અહેવાલ મુજબ, આજે સવારે 7.15 વાગ્યે વિજયવાડાના મધ્યમાં આવેલા મોગલરાજાપુરમ કોલોનીના સુન્નાપુબત્તી સેન્ટર પાસે આવેલી ટેકરીમાં ભૂસ્ખલન થયું હતું, અચાનક ટેકરી પરથી ભારે પથ્થરો ઘરો પર તૂટી પડ્યા હતાં. વિજયવાડા પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “એક ઘર સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું જેમાં અંદરના ચાર લોકોના મોત થયા છે અન્ય ત્રણ મકાનોને આંશિક નુકસાન થયું હતું.”
રેવન્યુ અધિકારીઓ સહિત પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે, ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. અસરગ્રસ્ત ઘરો ટેકરીઓની નજીક સ્થિત છે, તેથી વધુ ભૂસ્ખલનની શક્યતાઓ છે.
મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના દરેક પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમણે અધિકારીઓને ટેકરીઓ પર આવેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા જણાવ્યું હતું.
વિજયવાડામાં શુક્રવાર રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આખા શહેરમાં પાણી ભરાઈ ગયા છે.
દરમિયાન, શનિવારે ગુંટુર જિલ્લાના પેડકાકાની બ્લોકના ઉપ્પલાપાડુ ગામમાં કારમાં સવાર એક શાળા શિક્ષક અને બે વિદ્યાર્થીઓ વહેતા પ્રવાહમાં વહી ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે “જ્યારે કાર આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વહેતા પ્રવાહને પાર કરી રહી હતી, ત્યારે શિક્ષકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને તે પાણીમાં પલટી ગઈ અને પૂરના પ્રવાહમાં વહી ગઈ. તેમના મૃતદેહો સાંજે મળી આવ્યા હતા.”
બંગાળની ખાડી પરની લો પ્રેશર સિસ્ટમને કારણે આંધ્રપ્રદેશના અન્ય કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ છે.