Tirupati Laddu પ્રસાદમાં પશુની ચરબીના વિવાદ વચ્ચે તમાકુ મળ્યાનો દાવો, ભક્તએ શેર કર્યો ફોટો
અમરાવતી : તિરુપતિ બાલાજી લાડુના પ્રસાદમાં(Tirupati Laddu) પશુની ચરબીનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં એક ભક્તે પ્રસાદમાં તમાકુ મળવાનો આરોપ લગાવ્યો છે. ભક્તે કહ્યું કે તિરુપતિના પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવેલા લાડુમાં તેને કાગળમાં લપેટેલી તમાકુ મળી આવી હતી. ખમ્મમ જિલ્લાની રહેવાસી ડોથું પદ્માવતીએ જણાવ્યું કે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરની મુલાકાત લીધા બાદ તેને લાડુમાં તમાકુ મળી આવી હતી. જેમાં અન્ય ભક્તોની જેમ પદ્માવતી પણ તેના પરિવાર અને પડોશીઓને વહેંચવા માટે પ્રસાદ લાવી હતી.
પોતાની વ્યથા વ્યક્ત કરતાં ડોથું પદ્માવતીએ કહ્યું, જ્યારે હું લાડુ વહેંચવા જઈ રહી હતી ત્યારે મને એક નાનકડા કાગળમાં લપેટેલી તમાકુ મળી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રસાદને પવિત્ર માનવામાં આવે છે અને તેમાં ભેળસેળ જોવી આઘાતજનક છે.
આ ઘટના સામે આવતા તિરુપતિના લાખો ભક્તોને આંચકો લાગ્યો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પશુઓની ચરબી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તિરુપતિના પ્રસાદના લાડુ લાંબા સમયથી લાખો યાત્રાળુઓ માટે ધર્મનિષ્ઠા અને ભક્તિનું પ્રતીક છે. જો કે, આ તાજેતરના દાવાઓએ મંદિરના સંચાલન માટે જવાબદાર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ખાતે ગુણવત્તા નિયંત્રણના પગલાં અંગે શંકા ઊભી કરી છે.
નાયડુએ ઘીમાં પશુની ચરબી અને માછલીના તેલની હાજરીનો આક્ષેપ
ગયા અઠવાડિયે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુમાં પશુઓની ચરબી સહિત હલકી ગુણવત્તાવાળા ઘટકો મળી આવ્યા હોવાનો દાવો ત્યારે થયો હતો. ગુજરાતની એક ખાનગી લેબના અહેવાલને ટાંકીને, નાયડુએ ઘીમાં પશુની ચરબી અને માછલીના તેલની હાજરીનો આક્ષેપ કર્યો હતો.
જો કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીએ આ દાવાઓને નકારી કાઢતા કહ્યું કે તેમના શાસન દરમિયાન કોઈ ઉલ્લંઘન થયું નથી. રેડ્ડીએ નાયડુ પર ભગવાનના નામે રાજકારણ કરવાનો આરોપ મૂક્યો છે.