તિરુપતિના મંદિરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, 3 દિવસમાં મળ્યો ચોથો મેઈલ

તિરુપતિ: આન્ધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલા ઈસ્કોન મંદિરને રવિવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat to Tirupati ISKON temple) મળી હતી. મંદિરના પ્રસાશનને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ISISના આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે, આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં મંદિરને મળેલો આ ચોથો મેલ છે.
તિરુપતિ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વિસ્ફોટકોની શોધ માટે બોમ્બ સ્ક્વોડ અને ડોગ યુનિટ્સ પોલીસ સાથે મંદિર પરિસર પહોંચ્યા હતાં. જો કે, મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી.
તિરુપતિ પોલીસે સમાચારની પુષ્ટિ કરી. પોલીસે કહ્યું કે આ ધમકીઓ માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે યોગ્ય અને જરૂરી પ્રયાસો ચાલુ છે. પોલીસને શંકા છે કે આ હજુ વધુ એક ખોટી ધમકીનો મેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઈસ્કોન મંદિરના સ્ટાફને એક ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે “પાકિસ્તાનના ISI સાથે જોડાયેલા આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે”.
આ પણ વાંચો….ચૂંટણી ઢંઢેરાને લઇને NCP-શરદ પવાર જૂથના બે મોટા નેતા બાખડ્યા
અગાઉ શનિવારે, બે હોટલને પણ બોમ્બની ધમકીઓ મળી હતી. એ પહેલા પણ શહેરની અન્ય ત્રણ હોટલોને બોમ્બની ધમકીઓ મળી હતી, જેનાથી રહેવાસીઓ અને ભક્તોમાં ચિંતા વધી ગઈ હતી.
ધમકીમાં કથિત રીતે ડ્રગ હેરફેરના નેટવર્કના કિંગપિન જાફર સાદિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની તમિલનાડુમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.