
શ્રીકાકુલમ: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી, જ્યારે કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા 10 ભક્તોના કરુણ મોત થયા છે, જેમાં મોટા ભાગની મહિલાઓ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે. ઘાયલોની ગંભીર સ્થિતિ જોતાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ દુઃખદ ઘટનામાં થયેલા શ્રદ્ધાળુઓના મોત અંગે મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે પીએમઓ દ્વારા મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાયની પણ જાહેર કરવામાં આવી છે.
મંદિરના પ્રવેશદ્વાર પર અચાનક વધી ભીડ જતા નાસભાગ થઈ
કાર્તિક મહિનાની એકાદશીના શુભ પ્રસંગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના કાશી બુગ્ગા મંદિરે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન મંદિર સંકુલના પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડનું દબાણ વધી ગયું હોવાથી ભક્તોમાં ગભરાટ વધ્યો હતો અને નાસભાગ મચી ગઈ હતી. આ ભીડના ધસારામાં ઘણા લોકો નીચે પડી ગયા હતા અને અન્ય ભક્તો તેમના પર દોડતા રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, અહીં સવારથી જ મંદિરમાં તણાવ વધી ગયો હતો અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. જેના કારણે આ દુઃખદ ઘટના થઈ હતી.
શ્રદ્ધાળુઓના મોત અંગે રાષ્ટ્રપતિ અને પીએમ એ દુઃખ વ્યક્ત કર્યું
આ દુર્ઘટના મામલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી દુ:ખદ ઘટનામાં લોકોના મોત વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
ઘાયલો માટે 50-50 હજારની સહાય જાહેર કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલા નાસભાગ મામલે દુઃખી છું. જેણે પોતાનું સ્વજન ખોયું છે તેમના પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરૂ છું. આ સાથે ઘાયલો સત્વરે સ્વસ્થ્ય થયા તેના માટે પ્રાર્થના કરૂ છું’. પીએમઓ દ્વારા મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50-50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. ઘટના અંગે અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે વેંકટેશ્વર મંદિરમાં સવારે 11:30 વાગ્યે નાસભાગ થઈ હતી જેના કારણે 10 લોકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયાં છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.



