નેશનલ

આંધ્ર પ્રદેશમાં શ્રેણીબદ્ધ અકસ્માતોમાં પાંચના મોત, આઠ ઘાયલ…

ઓંગોલઃ આંધ્ર પ્રદેશમાં આજે સવારે ઓંગોલ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૬ પર કેટલાક વાહનો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પહેલો અકસ્માત સવારે ૪-૫૦ વાગ્યે ઓંગોલ ઇસ્ટ બાયપાસ નજીક થયો હતો. જ્યાં ટાયર પંચર થયું હોવાથી લેન ૧ પર ઊભેલી એક ટ્રકને પોલ્ટ્રી વાહને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઇવર અને બે ક્લીનર્સના મોત થયા હતા.

આ અકસ્માતને કારણે એક કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પહેલો અકસ્માત થયાની થોડી વારમાં જ એક હાર્વેસ્ટર વાહને પોલ્ટ્રી વાહનને ટક્કર મારી હતી. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરમ્યાન ટ્રાફિક જામના કારણે અમરાવતીથી તિરુપતિ જતી એક કાર ઊભેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેમાં ગુંટૂર જિલ્લાના છ મુસાફરો સવાર હતા.

બીજી એક ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતા. જેના કારણે કાર બે ભારે વાહનો વચ્ચે ફસાઇ ગઇ હતી. બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક આર. શ્રીનિવાસે જણાવ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ ૧૫-૨૦ મિનિટના ગાળામાં બન્યો હતો. અમને શંકા છે કે ટ્રક ચાલક બેદરકારીથી વાહન ચલાવી રહ્યા હતા અને રસ્તા પર યોગ્ય લાઇટિંગ અને લેન માર્કિંગનો અભાવ હતો. ટ્રક ડ્રાઇવરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આ મામલે તપાસ ચાલી રહી છે.

આપણ વાંચો : કાશ્મીરમાં મોટો અકસ્માત: આર્મીનું વાહન 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button