આખરે કયા કારણે સર્જાઈ આંધ્રપ્રદેશની હોનારત,અધિકારીએ કહીએ આ વાત…
અમરાવતી : રવિવારે રાતે આંધ્રપ્રદેશ ખાતે સર્જાયેલી ટ્રેન હોનારાતમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે, પણ આખરે આ હોનારત સર્જાઈ કઈ રીતે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે દ્વારા આ બાબતે એવી શકયતા વ્યકત કરાઈ રહી છે કે આંધ્રપ્રદેશની આ હોનારત માટે માનવીય ભૂલ કારણરૂપ સાબિત થઈ શકે છે.
રેલવેના વરિષ્ઠ અધિકારના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન વચ્ચે અથડામણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને કારણે આ રૂટ પરની અનેક ટ્રેનો પર અસર થઈ છે અને તેમના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ બાબતે વધુ માહિતી આપતા અન્ય એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત થવા પાછળ હ્યુમન એરર કારણભૂત હોઈ શકે છે. વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ઓવરશૂટિંગ’ થયું હતું. ઓવરશૂટિંગની વાત કરીએ તો જ્યારે ટ્રેન પોતાના નિર્ધારિત સ્થળે ઊભી રહેવાને બદલે સિગ્નલ ક્રોસ કરીને આગળ વધી જાય છે જેને ટેક્નિકલ ભાષામાં ઓવરશૂટિંગ કહેવામાં આવે છે.
અધિકારીઓએ જણાવ્યું કે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નંબર 08532) વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504) સાથે અથડાઈ હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532)ના બે પાછળના કોચ અને વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના લોકો કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન લગભગ 2 મિનિટ સુધી સિગ્નલ પર રોકાયા બાદ આગળ વધી હતી. પાછળથી આવી રહેલી વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર ટ્રેનને સિગ્નલ પર ઊભા રહેવાનું હતું પરંતું વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જરના લોકો પાઈલટથી ઓવરશૂટ થઈ ગયું અને આ હોનારત સર્જાઈ હતી. રેલવે દ્વારા આ બાબતે એવી માહિતી આપવામાં આવી છે કે વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટની ભૂલને કારણે આ દુર્ઘટના બની હતી, અને આ અકસ્માતમાં લોકો પાઈલટનું મોત થયું છે