આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનનાં બહેન કોગ્રેસમાં જોડાયા, આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવજન શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (વાયએસઆરટીપી)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાયા હતા.
શર્મિલાએ પોતાની વાયએસઆર તેલંગણા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં વિલિનીકરણની પણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે તેને તેઓ નિભાવશે. શર્મિલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીની નાના બહેન છે.
શર્મિલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તે દેશની સૌથી મોટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે કારણ કે તે તમામ સમુદાયોની સેવા કરે છે અને તમામ વર્ગના લોકોને એક કરે છે.
મંગળવારે હૈદરાબાદમાં તેમની પાર્ટીની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી શર્મિલાએ કહ્યું હતું કે તે અને પાર્ટીના અન્ય નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ટોચના નેતૃત્વને મળશે અને મહત્વપૂર્ણ જાહેરાત કરશે.
તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને વડા પ્રધાન તરીકે જોવાનું તેમના પિતાનું સપનું હતું અને તેઓ તેમાં યોગદાન આપીને ખુશ થશે. શર્મિલાએ કહ્યું કે તેઓ ખુશ છે કે તે તેલંગણામાં કોંગ્રેસની જીતનો ભાગ છે. શર્મિલાએ તાજેતરમાં તેલંગણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.