ચૂંટણી વચ્ચે રાજસ્થાનમાં અરાજકતાનો માહોલ, લોકોએ ઘરની છત પરથી પથ્થરો ફેંક્યા
રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે અમુક વિસ્તારોમાં ચૂંટણીનો લોહિયાળ રંગ દેખાઇ રહ્યો છે. રાજસ્થાનના ફતેહપુર શેખાવાટી વિસ્તારમાં 2 જૂથો વચ્ચે સામસામી પથ્થરબાજી થતા વાતાવરણ હિંસક બની ગયું હતું. જેને પગલે 1 કલાક સુધી આ વિસ્તારમાં અશાંતિ છવાયેલી રહી હતી.
પથ્થરમારાને પગલે સુરક્ષાબળોના જવાનોએ તરત જ સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ સામાન્ય થયા બાદ મતદાન ફરી શરૂ પણ થઇ ગયું હતું. જો કે રસ્તા પથ્થરોથી ભરાઇ ગયેલા જોવા મળ્યા હતા. કેટલાય લોકો પોતાના ઘરની છત પરથી પથ્થરો ફેંકતા હતા. હવે આ વિસ્તારમાં પોલીસ સહિત પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં કુલ વિધાનસભા બેઠકો 200 છે પરંતુ એક બેઠક પર ધારાસભ્ય ગુરમીતસિંહ કુન્નરનું નિધન થતા 199 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 55 ટકાની આસપાસ મતદાન નોંધાયું છે.