‘આ લગ્નનું પ્રસારણ IPLને ટક્કર આપી શક્યું હોત’ આ ઉદ્યોગપતિએ અંબાણીને આપી સલાહ
મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે ધામધૂમ પૂર્વક (Anant Radhika Wedding) કરવામાં આવ્યા. છેલ્લા કેટલાક દિવસોથી આ લગ્ન ચર્ચાના કેન્દ્રમાં રહ્યા, વડા પ્રધાન મોદી સહિત રાજકીય આગેવાનો એ હાજરી આપી. સિનેમા અને સ્પોર્ટ્સ ક્ષેત્રના દેશ અને દુનિયાભરના સેલિબ્રીટી લગ્નમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા. એવામાં એન્ટરપ્રેનિયોર અનુપમ મિત્તલે (Anupam Mittal) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અંગે હળવાશથી સૂચન કર્યું હતું.
Shaadi.com ના ફાઉન્ડર અનુપમ મિત્તલે કહ્યું કે અંબાણી પરિવારે આ લગ્ન JioCinema પર પ્રસારિત કરી કરવા જોઈતા હતા. X પરની એક પોસ્ટમાં અનુપમ મિત્તલે લખ્યું કે, “દુલ્હા ભી ખુદ કા, જિયો સિનેમા ભી ખુદ કા. આ લગ્નનું પ્રસારણ કરવામાં આવ્યું હોત તો આઈપીએલ રેટિંગને ટક્કર આપત.”
મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન શાનદાર હતા, જેમાં ઘણી હસ્તીઓ, ક્રિકેટરો, બિઝનેસ લોકો અને મહાનુભાવો હાજર હતા. વડા પ્રધાન મોદીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.