નામીબિયાના જંગલી પ્રાણીઓને બચાવવા અનંત અંબાણીની ‘વનતારા’એ લંબાવ્યો મદદનો હાથ
નવી દિલ્હી: આફ્રિકન દેશ નામીબિયા હાલ ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. દેશમાં દુકાળ અને ભૂખમરાની પરિસ્થિતિથી દેશની પ્રજાને ઉગારવા માટે લગભગ 700 થી પણ વધુ પ્રાણીઓને મારવાનો નિર્ણય લીધો છે. જેને લઈને અનંત અંબાણીના વનતારા ફાઉન્ડેશને નામીબીયા સરકારને મદદ માટેનો હાથ લંબાવ્યો છે. ગુજરાતમાં આવેલી આ પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ માટેની સંસ્થા સંવેદનશીલ પ્રજાતિઓના રક્ષણ માટે કામ કરી રહી છે. વનતારાએ આ મામલે નામીબિયા સરકારને પત્ર પણ લખ્યો છે.
સયુંક્ત રાષ્ટ્રના અહેવાલો અનુસાર નામીબિયામાં લગભગ 84 ટકા ખાદ્ય ભંડાર સમાપ્ત થઈ જવાના આરે છે. આ માટે દેશના લોકોને માંસ ખાવા માટે પૂરું પાડવા માટે સરકારે લગભગ 700 જેટલા પ્રાણીઓને શિકાર કરવા માટેની યાદીમાં ઉમેર્યા છે. નામીબિયાના પર્યાવરણ, વન અને પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 83 હાથીઓ, 60 ભેંસો, 30 દરિયાઈ ઘોડા, 50 ઈમ્પોલા અને 300 ઝિબ્રાનો સમાવેશ થાય છે.
ભારતમાં નામિબિયાના દૂતાવાસને લખેલા પત્રમાં વનતારાએ પ્રાણીઓને સુરક્ષા આપવાનો ઉદેશ્ય વ્યક્ત કર્યો છે. વનાતારાએ લખ્યું છે કે તેઓ નામીબિયા સરકાર દ્વારા શિકાર માટે ચિહ્નિત કરાયેલા પ્રાણીઓને કાયમી અથવા અસ્થાયી ઘરો આપવા આતુર છે. જેથી પશુઓના અમૂલ્ય જીવ બચાવી શકાય.
આ પણ વાંચો :હવે અનંત અંબાણી લાલબાગચા રાજાનો વહીવટ જોશે, મંડળમાં મહત્વના પદ પર થઈ નિમણૂક
વનતારાએ પ્રાણીઓના શિકારને રોકવા માટે નામીબિયા સરકાર અને ત્યાંનાં અન્ય સંગઠનોની સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વનતારા સંસ્થાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બધા સાથે મળીને આ પ્રાણીઓને નવી જિંદગી આપી શકીશું. આ મામલે વનતારાએ નામીબિયા દૂતાવાસ મારફતે સંપર્ક સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે, જો કે હજુ નામીબિયા સરકાર તરફથી કોઇ સત્તાવાર પ્રત્યુતર મળી શક્યો નથી.
મુકેશ અંબાણીના પુત્ર અંત અંબાણીને પ્રાણીઓથી અગાધ પ્રેમ છે અને તેને જ વનતારા જેવી સંસ્થાની કલ્પના કરી હતી. આજે વનતારામાં 200થી પણ વધુ હાથી અને 300થી વધુ વાઘ, સિંહ, વરુ સહિતના જંગલી પ્રાણીઓ છે. 3500 એકરમાં ફેલાયેલા વનતારાના પ્રાણીઓની દેખભાળ રાખવા માટે 2000 થી પણ વધુ કર્મચારીઓ છે અને સાથે જ પ્રાણીઓ માટે વૈશ્વિક સ્તરનું હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પણ છે.