લિવ ઇન રિલેશનશિપ મુદ્દે આનંદીબેન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો વિગત | મુંબઈ સમાચાર
નેશનલ

લિવ ઇન રિલેશનશિપ મુદ્દે આનંદીબેન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

બલિયાઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લિવ ઈન રિલેશનશિપ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. બલિયામાં એક કાર્યક્રમમા તેમણે કહ્યું, ‘યુવતીઓ લિવ ઇનના ચક્કરમાં બરબાદ થઇ રહી છે, બાળકોને અનાથાલયમાં મોકલવા પડી રહ્યાં છે. 15-20 વર્ષની યુવતીઓ બાળકો લઇને લાઇનમાં ઉભી છે. લાલચમાં યુવતીઓ લીવ ઇનમાં રહેવા તૈયાર થાય છે. તેમણે યુવતીઓને લિવ ઇન રિલેશનથી બચવા સલાહ આપી હતી. તેમજ યુવાઓને નશાખોરીથી દૂર રહેવા સલાહ આપી હતી.

આનંદીબેન પટેલે શું કહ્યું

આનંદીબેન પટેલે આકરા શબ્દોમાં કહ્યું કે દીકરીઓએ લિવ-ઇન રિલેશનથી બચવું જોઈએ. જો લિવ-ઇન રિલેશનનું પરિણામ જોવું હોય તો અનાથાશ્રમમાં જઈને જુઓ. 15-20 વર્ષની દીકરીઓ એક-એક વર્ષના બાળક સાથે લાઈનમાં ઊભી હોય છે. રાજ્યપાલનો આ આકરો મિજાજ વારાણસીમાં પણ જોવા મળ્યો હતો. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે દીકરીઓને સાવધાન કરતા કહ્યું કે, તેઓ લિવ-ઇન રિલેશનમાં બિલકુલ ન જાય. દરેક જગ્યાએ દીકરીઓ પર કાળા કાગડાની નજર હોય છે. આવી સ્થિતિમાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. જો દીકરીઓ લિવ-ઇન રિલેશનમાં જશે તો તેમનું જીવન બરબાદ થઈ શકે છે. સાથે જ તે 50-50 ટુકડાઓમાં પણ વહેંચાઈ શકે છે.

લિવ-ઇન રિલેશનશિપ પશ્ચિમી સંસ્કૃતિની દેન છે અને આપણા સમાજમાં તેના મોટાભાગના પરિણામો નકારાત્મક જોવા મળે છે. તેમણે કહ્યું કે છોકરીઓએ આવા કોઈપણ પગલાં પહેલાં સારી રીતે વિચારીને નિર્ણય લેવો જોઈએ, કારણ કે ઘણીવાર પરિસ્થિતિઓ એવી બની જાય છે જ્યારે કોઈ મદદ કરનારું હોતું નથી. તેથી સેલ્ફ ડિપેન્ડન્ટ (આત્મનિર્ભર) હોવું ખૂબ જ જરૂરી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે કેટલીક છોકરીઓ જે આત્મનિર્ભર નથી, તે લિવ-ઇન રિલેશનશિપમાં ફસાઈને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. તેમણે આ સંબંધને સંપૂર્ણપણે નકાર્યો નથી, પરંતુ વિચારી-સમજીને પગલાં લેવાની સલાહ આપી હતી.

આપણ વાંચો : સુરેન્દ્રનગરમાં સબસિડીવાળું યુરિયા ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button