દિલ્હી AIIMSમાં ટ્રાન્સજેન્ડર્સ માટે ઉભી થશે મહત્વની સુવિધા
નવી દિલ્હી: ટ્રાન્સજેન્ડર્સ સમુદાયના ઘણા લોકો પોતાની તકલીફો અંગે ખુલીને વાત નથી કરી શકતા હોતા, ત્યારે દિલ્હી સ્થિત AIIMSમાં એક ખાસ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં એક સ્પેશિયલ ક્લિનિકમાં કોઇપણ ઉંમરના ટ્રાન્સજેન્ડર્સ પોતાની માનસિક તથા શારીરિક તકલીફો વિના સંકોચ ડોક્ટરને જણાવી તેની સારવાર મેળવી શકશે.
આ ક્લિનિકને સેન્ટર ફોર એક્સેલન્સ નામ આપવામાં આવશે જેમાં વિવિધ દેશોના હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા ટ્રાન્સજેન્ડર્સને સર્જરીથી માંડીને માનસિક બિમારીઓની પણ સારવાર આપવામાં આવશે. ભારતમાં ઘણી જગ્યાએ સેક્સ ચેન્જ ઓપરેશન સહિતની સારવાર પહેલા પણ થતી જ હતી પરંતુ AIIMSમાં સેન્ટર ઉભુ થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે એડવાન્સ ટેકનોલોજીનો લાભ મળી જશે. સેક્સ ચેન્જ ઓપરેશનની ગણના પણ જટિલ સર્જરીઓમાં થાય છે, અને તે માટે ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા ડોક્ટરોને AIIMSમાં બોલાવી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં હોર્મોનલ ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ, ટ્રાન્સ હેલ્થ કેર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે ટ્રાન્સજેન્ડર્સ યોગ્ય સારવારના અભાવે લાંબા સમય સુધી બિમારીઓથી પીડાતા હોય છે. દેશમાં 100માંથી 2 થી 8 ટકા ટ્રાન્સજેન્ડર એવા છે જેમને કાળજી અને માનસિક સ્વાસ્થ્ય સંભાળની જરૂર હોવા છતાં પણ તેઓ સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ મેળવી શકતા નથી. આ માટે જ AIIMSમાં ક્લિનિક ઉભું કરવામાં આવી રહ્યું છે. જે ટ્રાન્સજેન્ડર્સ લોકો માટે ફાયદાકારક સાબિત થશે.