બિહારની ચૂંટણીની જાહેરાત થતાં જ સર્વેના પરિણામો આવવા લાગ્યાઃ જાણો જનતાનો મિજાજ | મુંબઈ સમાચાર
નેશનલ

બિહારની ચૂંટણીની જાહેરાત થતાં જ સર્વેના પરિણામો આવવા લાગ્યાઃ જાણો જનતાનો મિજાજ

પટનાઃ રાજકારણની દૃષ્ટિએ દેશનું મહત્વનું એવું બિહાર ફરી ચર્ચામાં આવી ગયું છે. આજે ચૂંટણી પંચે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 6ઠ્ઠી અને 11મી નવેમ્બરે મતદાન અને 14મી નવેમ્બરે પરિણામ આવશે.

આમ તો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવી બિહારને સમાચારોમાં ચમકતું રાખ્યું હતું, પરંતુ હવે ખરાખરીનાં જંગની સત્તાવાર તારીખો જાહેર થઈ ગઈ છે.

આ જંગ બે પક્ષો સાથે બે ગઠબંધનો વચ્ચેનો છે ત્યારે MATRIZE-IANS નામની એજન્સીએ એક સર્વે બહાર પાડ્યો છે. સર્વે અનુસાર લોકો નીતિશ કુમારના નામ પર ફરી મહોર મારશે અને ઈન્ડિયા ગઠબંધનને ફરી નિરાશાનો સામનો કરવો પડશે.

બિહાર મોટું રાજ્ય છે અને અહીં વિધાનસભાની 243 બેઠકની ચૂંટણી છે. જીત માટે 121 બેઠકની જરૂર પડશે. એજન્સીના સર્વેનું માનીએ તો એનડીએને 150-160 બેઠક મળશે, તેમ એજન્સીનો સર્વે કહે છે. જ્યારે મહાગઠબંધન (ઈન્ડિયા)ને 70થી 80 બેઠક મળશે. પ્રશાંત કિશોર સહિતની અન્ય પાર્ટીને 9-12 બેઠક મળવાની સંભાવના છે.

આપણ વાંચો: બિહારની ચૂંટણીમાં ભાજપ ગુજરાત મોડલ અપનાવશે, મોટા ભાગના વર્તમાન ધારાસભ્યો કપાશે

એનડીએની વાત કરીએ તો ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે તેવી શક્યતા છે. સર્વે મુજબ, ભાજપ 80-85 બેઠકો, JDU 60-65, HAM 3-6, LJP (R) 406 અને RLM 1-2 બેઠકો જીતી શકે છે. મહાગઠબંધનમાં, RJD 60-65 બેઠકો, કોંગ્રેસ 7-10, CPI-ML 6-9, CPI 0-1, CPIM 0-1 અને VIP 2-4 બેઠકો જીતવાનો અંદાજ છે. આ જોતા ભાજપ પ્રાદેશિક પક્ષો કરતા પણ આગળ નીકળી જાય તેમ લાગી રહ્યું છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં યોજાશે. પહેલા ચરણમાં 6 નવેમ્બરે અને બીજા ચરણમાં 11 નવેમ્બરે મતદાન યોજાશે. આ વખતે 90,717 મતદાન મથકનો વધારો થયો છે. વિધાનસભા ચૂંટણી 2025માં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે.

આપણ વાંચો: ‘બિહારની ચૂંટણીમાં વોટ ચોરી નહીં કરવા દઈએ’: વોટર અધિકાર યાત્રા વખતે રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

બિહાર ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. બિહાર ચૂંટણી માટે 243 સામાન્ય નિરીક્ષકો, 38 પોલીસ નિરીક્ષકો અને 67 અન્ય નિરીક્ષકો હશે. બધા નિરીક્ષકો બહારના રાજ્યોના રહેશે તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એ પણ સ્પષ્ટ કર્યું કે, 24 જૂનથી SIR દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરના રોજ છેલ્લા નામાંકનના દસ દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં નામ ઉમેરી શકાય છે. નામાંકન પછી કોઈ નામ ઉમેરવામાં આવશે નહીં.

રાજ્યની ચૂંટણી વધારે મહત્વની એટલા માટે છે કે કેન્દ્રમા પણ નીતિશ કુમારની JDU સત્તામાં સાથે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે હાલમાં સારી કેમેસ્ટ્રી જામતી દેખાય છે, પરંતુ નીતિશ કુમાર કૂદાકૂદ કરવા માટે જાણીતા છે. બિહારના પરિણામો જો સ્પષ્ટ ન આવે તો કેન્દ્ર સરકારને પણ અસર થઈ શકે છે. આથી ભાજપ માટે આ પરિણામો મહત્વના છે.

આપણ વાંચો: શું બિહારની ચૂંટણીથી NDAમાં ભંગાણના એંધાણ? ચિરાગ પાસવાને નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા!

કૉંગ્રેસે અસ્તિત્વ ટકાવવાની લડાઈ લડવાની છે. રાજ્યોમાં સતત હારતી કૉંગ્રેસ બિહારમાં મરણિયા પ્રયાસો કરી રહી છે. કૉંગ્રેસ માટે દરેક ચૂંટણી મોટો જંગ બની ચૂકી છે. જો બિહારના પરિણામો ભાજપ માટે નરસા આવે તો કૉંગ્રેસને જીવતદાન મળે તેમ છે.

આ પ્રકારના સર્વે ચૂંટણી પહેલા પછી આવતા રહે છે, પરંતુ જનતાના મનમાં શું છે તે તો મતદાન થયા બાદ અને તેનું પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે.

નોંધઃ MATRIZE-IANS એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે બિહારના તમામ 243 મતવિસ્તારોમાંથી 46,862 લોકોના ઇન્ટરવ્યુ લીધા હતા. આ સર્વે 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. મુંબઈ સમાચાર આ સર્વેની પુષ્ટિ કરતું નથી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button