ચાલુ નાણાકીય વર્ષમાં 58,378 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને મળી મંજૂરી..
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષમાં 58, 378 કરોડ રૂપિયાના વધારાના ખર્ચને આજે સંસદમાં મંજૂરી આપવામાં આવી છે. જેનો એક મોટો ભાગ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી (મનરેગા) તેમજ સબસિડી પર ખર્ચવામાં આવશે. સરકારે વર્ષ 2023-24 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચમાં રૂ. 1.29 લાખ કરોડથી વધુના કુલ વધારાના ખર્ચની મંજૂરી માંગી છે, જેમાંથી રૂ. 70,968 કરોડ બચત અને પ્રાપ્તિઓમાંથી એડજસ્ટ કરવામાં આવશે.
રાજ્યસભામાં મંગળવારે હોબાળા વચ્ચે અનુદાનોની અનુપૂરક માગ સાથે સંકળાયેલા 2 બિલ પરત કરવામાં આવ્યા. તે સમયે ગૃહમાં વિપક્ષો દ્વારા સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની પણ માંગણી કરી હંગામો કરવામાં આવ્યો હતો. આ સભ્યોએ બિલની ચર્ચામાં ભાગ લીધો નહિ, મોટાભાગના ચર્ચા કરનારા સત્તાપક્ષના જ સાંસદો હતા. સંસદના બંને ગૃહોમાંથી અત્યાર સુધીમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સંયુક્ત ચર્ચામાં સભ્યોએ કહ્યું હતું કે આ બિલથી ખેડૂતો અને ગરીબ લોકોને ફાયદો થશે. ગરીબ લોકોને મફત અનાજ યોજનાનો લાભ મળતો રહેશે. કેટલાક સભ્યોએ સૂચન કર્યું હતું કે સરકારે રાસાયણિક ખાતરોને બદલે નેનો અને બાયો ફર્ટિલાઇઝરના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ.
ચર્ચાના જવાબમાં નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ કહ્યું હતું કે તેમણે વિવિધ સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોની નોંધ લીધી છે. પૂરથી પ્રભાવિત તમિલનાડુ રાજ્યને કેન્દ્રીય સહાયની માંગ પર તેમણે કહ્યું કે કેન્દ્ર રાજ્ય સરકારને યોગ્ય સહાય પૂરી પાડી રહ્યું છે.
તેમના જવાબ પછી, ગૃહે બંને બિલ પરત કર્યા અને આ સાથે બંને વિનિયોગ બિલને સંસદની મંજૂરી મળી ગઈ. ગયા અઠવાડિયે જ લોકસભાએ તેને મંજૂરી આપી દીધી હતી.
અનુદાન માટેની માંગણીઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ચોખ્ખો વધારાનો ખર્ચ રૂ. 58,378 કરોડ થશે. વધારાના ખર્ચમાં ખાતર સબસિડી માટે રૂ. 13,351 કરોડ અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આશરે રૂ. 7,000 કરોડનો સમાવેશ થાય છે.