18 વર્ષનો છોકરો 18 વર્ષની છોકરી સાથે લિવ-ઈનમાં રહી શકે, હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો

જયપુરઃ રાજસ્થાન હાઈ કોર્ટ એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જે મુજબ બે પુખ્ત વયના વ્યક્તિની વય જો લગ્ન લાયક ન થઈ હોય તો પણ લિવ ઈનમાં રહી શકે છે. દેશમાં લગ્ન માટે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ છે. ન્યાયાધીશે બે પુખ્ત વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરીને આ ચુકાદો આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો
રાજસ્થાનના કોટામાં રહેતી 18 વર્ષની છોકરી અને 19 વર્ષના છોકરાએ તેમને રક્ષણ આપવાની માંગ કરી હતી. છોકરીની ઉંમર લગ્ન લાયક થઈ ચુકી હતી પરંતુ છોકરાની લગ્ન લાયક ઉંમર થઈ નહોતી. બંનેએ પોલીસ સુરક્ષાની માંગ કરીને કહ્યું હતું કે, તેઓ પરસ્પર સહમતિથી લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. 27 ઓકોટબર, 2025ના રોજ લિવ ઈન એગ્રીમેંટ બનાવ્યો હતો.
આ પણ વાંચો: અનિરૂધ્ધાચાર્યનું વિવાદાસ્પદ નિવેદનઃ લિવ-ઈનમાં તો કૂતરાં-બિલાડાં રહે…
અરજીકર્તા મુજબ, છોકરીના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધમાં છે અને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસને લેખિત અરજી આપ્યા બાદ પણ કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. વકીલે કહ્યું કે, છોકરાની ઉંમર 21 વર્ષ નથી થઈ તેથી તે કાયદાકીય રીતે લગ્ન ન કરી શક. જોકે હાઈ કોર્ટે દલીલ ફગાવતાં કહ્યું કે, બંધારણની કલમ 21 જીવન જીવવાનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાની ગેરંટી આપે છે. દરેક નાગરિકના જીવન અને સ્વતંત્રતાની રક્ષા થાય તેની બંધારણીય જવાબદારી રાજ્યની છે.
કોર્ટે કહ્યું કે, ભારતીય કાયદા મુજબ લિવ ઈન ગેરકાનૂની નથી. તેમજ કોઈ ગુનો પણ નથી. કોર્ટે પોલીસને ધમકીના આરોપોની તપાસ કરવા અને જરૂર પડવા પર છોકરા-છોકરીને સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો.



