Amul અમેરિકા બાદ હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા સજ્જ, જાણો સમગ્ર પ્લાન

નવી દિલ્હી : અમૂલ(Amul)અમેરિકા બાદ હવે યુરોપના બજારમાં પણ પ્રવેશ કરશે. આ અંગે અમૂલ અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમૂલ દ્વારા યુએસમાં લોન્ચ કરવામાં આવેલ દૂધ અતિશય સફળ રહ્યું છે અને હવે તે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે. તેમણે શનિવારે ખાનગી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ XLRI દ્વારા આયોજિત ‘અમુલ મોડલઃ ટ્રાન્સફોર્મિંગ ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ’ વિષય પરના 11 મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચરમાં જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક છે અને આગામી વર્ષોમાં વિશ્વના કુલ દૂધ ઉત્પાદનનું એક તૃતીયાંશ ઉત્પાદન ભારતમાં થશે.
ડેરી એ ગ્રામીણ ભારતની જીવાદોરી છે
જયેન મહેતાએ કહ્યું કે ડેરી એ માત્ર એક વ્યવસાય નથી તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે. તેમણે કહ્યું કે બજાર સુસંગત રહેવા માટે અમૂલ પ્રોટીનથી સમૃદ્ધ, ઓર્ગેનિક અને કેમિકલ-મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે અમૂલના સ્થાપક ડૉ. કુરિયનની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરી હતી. મહેતાએ કહ્યું, જો ભારત વિશ્વને કોઈ ભેટ આપી શકે તો તે સહકારી કાર્ય પ્રણાલી હશે જે ડૉ. કુરિયને અમને આપી છે. સહકારમાં તેમની માન્યતાએ ભારતમાં એક નવી ક્રાંતિને જન્મ આપ્યો છે.
અમૂલ દરરોજ 310 લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે
જયેન મહેતાએ કહ્યું કે અમૂલ દરરોજ 310 લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે. સમગ્ર ભારતમાં 107 ડેરી પ્લાન્ટ્સ અને 50 થી વધુ ઉત્પાદનો સાથે અમૂલ વાર્ષિક 22 અબજ પેક સપ્લાય કરે છે. તેમણે દાવો કર્યો હતો કે અમૂલનું ટર્નઓવર રૂપિયા 80,000 કરોડ છે અને તે હવે વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત ડેરી અને ફૂડ બ્રાન્ડ છે. જેના માલિક 36 લાખ ખેડૂતો છે.
50 વર્ષ પહેલાં પિતાએ સ્વપ્ન જોયું : નિર્મલા કુરિયન
આ લેક્ચરમાં સંબોધતા ડો. વર્ગીસ કુરિયનની પુત્રી નિર્મલા કુરિયને જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલાં પિતાએ સ્વપ્ન જોયું હતું કે દૂધની અછતથી પીડાતો દેશ એક દિવસ આત્મનિર્ભર બની શકે છે. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. XLRI જમશેદપુરના ડિરેક્ટર ફાધર એસ. જ્યોર્જે જણાવ્યું હતું કે ડૉ. વર્ગીસ કુરિયનનું જીવન પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલું હતું.