Amritsar રેલવે સ્ટેશન પર હાવડા મેલના ડબ્બામાં આગ, કાબૂ મેળવાતા કોઇ જાનહાનિ નહિ
અમૃતસર : અમૃતસર(Amritsar)રેલ્વે સ્ટેશનથી એક કિલોમીટર દૂર અમૃતસર-હાવડા મેલના એક ડબ્બામાં શનિવારે સાંજે આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમૃતસરના જોરા ગેટ પાસે એક કોચમાં આગ લાગી ત્યારે દિલ્હી જતી ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી. જ્યારે ટ્રેન ડ્રાઈવરને આ અંગેની માહિતી મળી તો તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી. આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ટ્રેનમાં હાજર અગ્નિશામક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગની ઘટનાની માહિતી મળ્યા બાદ કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા.
ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલા મુસાફર ઘાયલ
અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનમાંથી ઉતરતી વખતે એક મહિલા મુસાફરને પગમાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જે ડબ્બામાં આગ લાગી હતી તે ટ્રેનથી અલગ થઈ ગઈ હતી અને તે પછી ટ્રેન તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ હતી.
જોધપુર-ભોપાલ એક્સપ્રેસમાં પણ પૂર્વે આગ લાગી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે હાલમાં જ મધ્યપ્રદેશના વિદિશામાં જોધપુર-ભોપાલ એક્સપ્રેસમાં આગ લાગવાથી હંગામો મચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ તરત જ ટ્રેનને રોકી આગને કાબૂમાં લીધી હતી. વિદિશા અને ભોપાલ વચ્ચે ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન લગભગ એક કલાક રોકવી પડી હતી.
ભારે ધુમાડો અને આગ જોઈને વિદિશા રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલા જ લોકોએ બૂમો પાડીને મુસાફરોને ટ્રેન રોકવા કહ્યું. સ્ટેશન નજીક આવતાની સાથે જ ટ્રેનમાં ભારે ધુમાડો અને આગની જાણ થતાં જ આરપીએફ-જીઆરપી અને રેલવે સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ટ્રેનની નજીક પહોંચી ગયો હતો. આ ઘટના 11 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે બની હતી.