લોકસભાની સદસ્યતા લેવા માટે પેરોલ પર બહાર આવશે અમૃતપાલ સિંહ
ચંડીગઢઃ ખડુર સાહિબ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા અમૃતપાલ સિંહને લગતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ 5 જુલાઈએ સાંસદ તરીકે શપથ લેવા જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહને પેરોલ પર બહાર લાવવામાં આવશે. આ દરમિયાન તે મંત્રી પદના શપથ લેશે.
અમૃતસર પોલીસ જેલમાં બંધ અમૃતપાલ સિંહને પાંચ જુલાઇના રોજ દિલ્હી લઇ જશે. લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા બાદ તેને જેલમાં પરત લઇ જવામાં આવશે. આ સમય દરમિયાન તે કોઇને મળી નહીં શકે.
પંજાબ સરકારે ખડૂર સાહિબથી ચૂંટાયેલા સાંસદ અમૃતપાલ સિંહને શપથ લેવડાવવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને અરજી કરી હતી અને તેને પેરોલ આપવાની માગણી કરી હતી.
જો કે આ પેરોલ કેટલા દિવસ માટે રહેશે અને ક્યારે થશે તે સ્પષ્ટ નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે અમૃતપાલ સિંહ એમ.પી. તરીકે શપથ લેશે અને ખડૂર સાહેબનું પ્રતિનિધિત્વ કરશે. અમૃતપાલ સિંહ હાલ આસામની દિબ્રુગઢ જેલમાં કેદ છે. અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ NSA દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે.