આગામી બે વર્ષમાં 50 ‘અમૃત ભારત ટ્રેન’ બનાવવામાં આવશેઃ રેલવે પ્રધાનનો દાવો
ચેન્નઈઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રેલવે મંત્રાલયે અમૃત ભારત વર્ઝન 2.0 ટ્રેનોમાં 12 મોટા સુધારા કર્યા છે અને આગામી બે વર્ષમાં આઇસીએફ ખાતે આવી 50 ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ)ના જનરલ મેનેજર યુ સુબ્બા રાવ સાથે નિરીક્ષણ કરનારા અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોની સેવાને રાજકારણથી ઉપર રાખવી જોઈએ અને કેન્દ્ર અને તેમનું મંત્રાલય લોકોના કલ્યાણ માટે પગલાં ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે.
રેલવે મંત્રીએ અહીં આઇસીએફમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “અમૃત ભારત વર્ઝન 2.0 (અહીં ઉત્પાદિત થઈ રહી છે) જોઈને ખૂબ જ આનંદ થયો. તમને યાદ હશે કે અમૃત ભારત વર્ઝન 1.0ને ગયા જાન્યુઆરી 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને છેલ્લા એક વર્ષના અનુભવના આધારે અમૃત ભારત વર્ઝન 2.0માં ઘણા સુધારા કરવામાં આવ્યા છે.
અમૃત ભારત ટ્રેનોમાં સુધારવામાં આવેલા કેટલાક પ્રમુખ ફેરફારોની જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે “આખી ટ્રેનમાં 12 મોટા સુધારા કરવામાં આવ્યા છે. સેમી-ઓટોમેટિક કપલ, મોડ્યુલર ટોઇલેટ્સ, ચેર પિલર અને પાર્ટિશન અને ઇમરજન્સી ટોક બેક ફીચર, ઇમરજન્સી બ્રેક સિસ્ટમ, વંદે ભારત ટ્રેન જેવી સતત લાઇટિંગ સિસ્ટમ, નવી એર્ગોનોમિક ડિઝાઇનવાળી સીટો અને બર્થમાં સુધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરત રેલવે સ્ટેશન પર બબાલઃ ટ્રેનના જનરલ કોચનો દરવાજો નહીં ખોલતા પ્રવાસીઓએ કરી તોડફોડ…
તેમણે કહ્યું કે અમૃત ભારત વર્ઝન 2.0 ટ્રેનોમાં આખી પેન્ટ્રી કાર નવી ડિઝાઇનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ઓછી આવક ધરાવતા પરિવારોને ધ્યાનમાં રાખીને આગામી બે વર્ષમાં (ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી)માં આવી 50 અમૃત ભારત વર્ઝન 2.0 ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને ખૂબ જ સસ્તી સેવા અને ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.”
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમૃત ભારત ટ્રેન ‘સૌથી ગરીબ લોકો’ને પણ આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. “અમૃત ભારતને વંદે (ભારત) સ્લીપર અને અમૃત ભારતના પ્રથમ વર્ઝનના અનુભવના આધારે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જનરલ કોચમાં આરામદાયક બેઠકો, ચાર્જિંગ પોઈન્ટ, મોબાઇલ ફોન અને પાણીની બોટલ રાખવા માટેની જગ્યા સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે.