
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કલમ 370થી લઈ આતંકવાદ મુદ્દે પણ મહત્ત્વની વાત કરી હતી. તેમણે ઈશારા ઈશારામાં જ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પણ જલદી ભારતનો હિસ્સો બનશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો: આંબેડકર મુદ્દે અમિત શાહે કૉંગ્રેસને આડેહાથ લીધી, ખડગેને પણ આપી સલાહ
અમિત શાહે કહ્યું હતું કે અંગ્રેજોના સમયે લખવામાં આવેલા ઇતિહાસની વ્યાખ્યા ખોટી હતી. સમગ્ર વિશ્વમાં ભારત એક એવો દેશ છે જે સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. જે લોકો જિયો પૉલિટકલની દ્રષ્ટિથી જુએ છે તેઓ દેશની વ્યાખ્ય કરી શકે નહીં. ભારતને સમજવા માટે દેશને જોડતાં તત્વોને સમજવા પડશે. દેશમાં જે કલા, વાણિજય અને સંસ્કૃતિ કાશ્મીરમાં હતી તે ધીમે ધીમે ભારતમાં ફેલાઈ. કાશ્મીર પહેલા પણ ભારતનું અવિભાજ્ય અંગ હતું, આજે પણ છે અને હંમેશાં રહેશે.
કલમ 370ને લઈ શું બોલ્યા અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકારે કલમ 370ને ખતમ કરવાનું કામ કર્યું. આ કલમે જ કાશ્મીરમાં આતંકવાદના બીજ રોપ્યા હતા. 370 હટ્યા બાદ આતંકી ઘટનાઓ ઘટી છે. કાશ્મીર ઘાટીમાંથી આતંકવાદની ઈકોસિસ્ટમને નાશ કરવામાં આવી છે.
અમિત શાહે પીઓકેનું નામ લીધા વિના કહ્યું હતું કે અત્યારે કાસ્મીરમાં વિકાસ જોવા મળી રહ્યો છે અને એનાથી હું ખુશ છું. મારું માનવું છે કેઆપણે જે કંઈ ગુમાવ્યું હતું કે તે શક્ય એટલું વહેલું પાછું મેળવીશું. અને વિશ્વાસ એ છે કે માત્ર ભૌતિક વિકાસ જ નહીં, પરંતુ કાશ્મીરની સાંસ્કૃતિક ઊંચાઈ પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.