નેશનલ

ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમૃતસર પ્રવાસે

સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

અમૃતસરઃ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 31મી બેઠકની અધ્યક્ષતા માટે મંગળવારે અમૃતસર પહોંચી રહ્યા છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનો તેમ જ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ અને દિલ્હીના કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટ. ગવર્નર ભાગ લેશે. મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કમિશનરેટ પોલીસે સંપૂર્ણ શહેરને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધું છે. પંજાબ પોલીસની સાથે અર્ધલશ્કરી દળોને પણ સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત કરવામાં આવ્યા છે.

અમિત શાહની અમૃતસર મુલાકાતને લઈને તેમના વીઆઇપી રૂટને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં અમૃતસર એરપોર્ટથી તાજ હોટેલ સુધીના રૂટને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવ્યો છે, જ્યારે એરપોર્ટથી તાજ હોટેલ વાયા ન્યુ રિયાલ્ટો ચોક સુધીના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે તાજ હોટલથી ગોલ્ડન ટેમ્પલ સુધીનો અન્ય વી.આઈ.પી.માર્ગ સીલ કરી દેવામાં આવ્યો છે. શહેર અને બહારગામથી આવતા ભક્તોની અવરજવર ડાયવર્ટ કરવામાં આવી છે.


રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અમૃતસરમાં આયોજિત ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર પણ હાજરી આપી રહ્યા છે, જેના માટે પંજાબ સરકાર દ્વારા રાજ્યની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.


એવું જાણવા મળ્યું છે કે મુખ્ય પ્રધાન ભગવંત માન અમિત શાહ સાથે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ્સ પર લાદવામાં આવેલા વોટર સેસ અને હરિયાણા અને રાજસ્થાન દ્વારા વધારાનું પાણી લેવાનો ઇનકાર કરવાનો મુદ્દો ઉઠાવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button