‘ઇટાલીના મૂળિયા ધરાવતા લોકોને નહિ સમજાય..’ રાહુલ-પ્રિયંકા પર અમિત શાહે સાધ્યું નિશાન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મધ્યપ્રદેશમાં શનિવારે યોજાયેલી એક રેલીમાં ભાઇ બહેનની જોડી રાહુલ-પ્રિયંકાને ટોણો મારતા તેમના સંબોધનમાં કહ્યું હતું કે વિદેશી (ઇટાલી) મૂળ ધરાવતા લોકો નહિ સમજી શકે કે નરેન્દ્ર મોદી સરકારે કેવો વિકાસ કર્યો છે.
મધ્યપ્રદેશના છિંદવાડાના અંતરિયાળ વિસ્તારમાં યોજાયેલી આ રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાને રામમંદિરનું નિર્માણ અને કલમ 370ને હટાવવા જેવા કાર્યોને તેમની સિદ્ધી ગણાવતા કહ્યું હતું કે વિશ્વભરમાં ભારતના વખાણ થઇ રહ્યા છે, પરંતુ કોંગ્રેસને દેશમાં કોઇ સકારાત્મકતા દેખાઇ નથી રહી.
ચૂંટણીના રાજ્યોમાં ભાઇ-બહેન જઇ લોકોને પૂછતા ફરે છે કે ભાજપે શું કર્યું, પરંતુ તેમના મૂળ વિદેશી હોવાને કારણે તેઓ આ વિકાસને સમજી નહિ શકે. જેમના મૂળિયા ભારતીય છે તેઓ સ્પષ્ટપણે સમજી જશે, તેવું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું.
છિંદવાડા એ મધ્યપ્રદેશ કોંગ્રેસનો ગઢ ગણાય છે તેમજ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલ નાથ પણ 17 નવેમ્બરથી યોજાનારી ચૂંટણી માટે આ વખતે મેદાનમાં છે.
“રાહુલ બાબા પહેલા એવું કહેતા કે ભાજપ ખાલી રામ મંદિરની વાત કરે છે પણ તે તારીખ જાહેર કરશે નહિ, હવે જુઓ મોદીજીએ મંદિર બંધાવી પણ દીધું અને તારીખ પણ જાહેર કરી દીધી. હવે ત્યાં જાઓ અને દર્શન કરી આવો તો સંતોષ થાય.” કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું.
આ પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રસ પક્ષ તરફથી રેલી કરતી વખતે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે ભાજપની સરકાર બિઝનેસ ટાયકૂન અને ઉદ્યોગપતિઓ માટે જ કાર્ય કરે છે. ગરીબ અને મધ્યમવર્ગ તથા ખેડૂતો માટે સરકારે કંઇ કર્યું નથી. પ્રિયંકા એ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.