અમિત શાહના નિવેદન બાદ બિહારમાં રાજકારણ ગરમાયું, શું નિતિશની NDAમાં વાપસી થશે?
ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં નીતિશ કુમારની તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)માં પરત ફરવાના પ્રશ્ન પર કહ્યું હતું કે જો પ્રસ્તાવ આવશે તો તેઓ તેના પર વિચાર કરશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને JDU ગઠબંધન તૂટવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય કુમાર સિન્હાના ઘરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે, ત્યારે નીતિશ કુમારે JDUના તમામ ધારાસભ્યો અને સાંસદોને આગામી આદેશ સુધી પટનામાં હાજર રહેવા જણાવ્યું છે. બિહારમાં બીજેપીના સહયોગી હિંદુસ્તાની અવમ મોરચા (HAM) ના વડા જીતન રામ માંઝીએ X પર પોસ્ટ કરીને તેના તમામ ધારાસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવા કહ્યું છે.
પટનામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે RJD ચીફ લાલુ યાદવ પોતાના પુત્ર અને બિહાર સરકારમાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે સીએમ હાઉસ પહોંચ્યા. લાલુ અને તેજસ્વી CM હાઉસ પહોંચ્યા અને નીતિશ કુમારને મળ્યા હતા. નીતીશ સાથેની બેઠકને સામાન્ય બેઠક ગણાવતા તેજસ્વી યાદવે કહ્યું કે અમે બધા નીતીશ કુમારના નેતૃત્વમાં કામ કરી રહ્યા છીએ.
ભાજપના ધારાસભ્યોની બેઠક, જેડીયુના સાંસદો અને ધારાસભ્યોને નીતીશનો આદેશ અને હવે માંઝીની સૂચના, પટનામાં આજના રાજકીય ઘટનાક્રમને જોતા એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું 22 જાન્યુઆરીના મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમથી લઈને 25 જાન્યુઆરી વચ્ચે બિહારમાં મોટો રાજકીય ખેલ પડી જશે કે શું?
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના વડા ચિરાગ પાસવાનના નિવેદનથી નીતીશ કુમારના NDAમાં પાછા ફરવાની અટકળોને વેગ મળ્યો છે. નીતિશ કુમાર સામે મોરચો ખોલનાર ચિરાગે જેડીયુના એનડીએમાં સામેલ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય કે તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે જેડીયુની એનડીએમાં વાપસીને લઈને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો પ્રસ્તાવ આવશે તો તે તેના પર વિચાર કરશે. જો કે અત્યાર સુધી અમિત શાહ અને બીજેપીના નેતાઓ કહેતા હતા કે નીતિશ કુમાર માટે હવે એનડીએના દરવાજા બંધ થઈ ગયા છે.