ટોપ ન્યૂઝનેશનલ

ભારત કોઈ ધર્મશાળા નથી કે…. લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલની ચર્ચા પર બોલ્યા અમિત શાહ

નવી દિલ્હી: આજે ચર્ચા બાદ લોકસભાએ લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ, 2025 એટલે કે ઇમિગ્રેશન બિલને ધ્વનિ મતથી પસાર કર્યું હતું. જે દેશમાં પ્રવેશ, રહેઠાણ અને મુસાફરી સંબંધિત પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક બનાવે છે અને ફૉરેનર્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરે છે. નિત્યાનંદ રાયે લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું. ચર્ચા દરમિયાન શાહે કહ્યું કે ભારત વિકાસમાં મદદ કરવા માટે અહીં આવનારાઓનું સ્વાગત થશે, પરંતુ જે લોકો મુશ્કેલી ઊભી કરવા આવે છે, પછી ભલે તે રોહિંગ્યા હોય કે બાંગ્લાદેશી હોય, તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ભારત કોઈ ધર્મશાળા નથી

આ સાથે જ અમિત શાહે કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દરેક વ્યક્તિ આવીને વસી જાય. તેમણે કહ્યું કે ઇમિગ્રેશન અને ફૉરેનર્સ બિલ સાથે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું આપણું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. અમિત શાહે લોકસભામાં બિલને મંજૂરી આપતા પૂર્વે કહ્યું કે “આ બિલ ખરાબ ઉદેશ્ય સાથે અહીં આવનારાઓને ઓળખવામાં પણ મદદ કરશે.”

આ પણ વાંચો: કાશ્મીરમાં ‘અલગાવવાદ’ હવે ઈતિહાસ બની ગયોઃ અમિત શાહે કાશ્મીર મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન

લોકસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે ઘણા ભારતીયોના ઉદાહરણો આપ્યા જેઓ વિદેશ ગયા અને સ્થાયી થયા પરંતુ ત્યાં મોટી સકારાત્મક અસર છોડી. ગૃહ પ્રધાને ભારત માટે સમાન કાયદાકીય માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી ખાતરી કરી શકાય કે જે લોકો સારા કામ માટે ભારત આવે છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે તેમનું જ અહીં સ્વાગત થાય. અમિત શાહે કહ્યું કે સરકાર પ્રવાસીઓ તરીકે અથવા શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાય માટે ભારતમાં આવવા માંગતા લોકોને આવકારવા તૈયાર છે, પરંતુ જે લોકો ખતરો ઉભો કરે છે તેમની સાથે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે.

ભારતને કોઈ શરણાર્થી નીતિની જરૂર નથી

બિલની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું, “દેશની સુરક્ષા માટે, આપણને એ જાણવાનો અધિકાર છે કે આપણા દેશમાં કોણ આવે છે અને કેટલા સમય માટે.” ગૃહ પ્રધાને કહ્યું કે ઘણી વખત લોકો પ્રશ્ન ઉઠાવે છે કે શરણાર્થીઓ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કેમ નથી થયા. તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે સ્થળાંતર અંગે ભારતનો ટ્રેક રેકોર્ડ પાંચ હજાર વર્ષથી દોષરહિત રહ્યો છે અને આપણને કોઈ શરણાર્થી નીતિની જરૂર નથી. તેમણે કહ્યું, “ભારત એક ભૂ-સાંસ્કૃતિક દેશ છે, ભૂ-રાજકીય દેશ નથી… ભારતનો શરણાર્થીઓ પ્રત્યેનો ઇતિહાસ છે. ઈરાન છોડીને પારસીઓ ભારતમાં આવ્યા, યહૂદીઓ ઇઝરાયલથી ભાગીને ભારતમાં આવ્યા હતા.

રાજકીય કારણોથી સારા બિલનો વિરોધ ન કરવો જોઈએ

વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ બિલ ચાર બિલનો સમાવેશ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ચારેય બિલ દેશની આઝાદી પહેલા બનાવવામાં આવ્યા હતા અને તેમના અનુચ્છેદો ઘટાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન અને વિદેશીઓ સંબંધિત આ બિલ તૈયાર કરવા માટે તેમના મંત્રાલયે ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી હતી અને આ બિલ ત્રણ વર્ષના વિચાર-મંથન પછી તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બિલ છે અને રાજકીય કારણોસર આવા મહત્વપૂર્ણ કાર્યનો વિરોધ ન કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button