ટેકનોલોજીની મદદથી નવા ક્રિમિનલ કાયદા ફક્ત ત્રણ વર્ષમાં ન્યાય આપશે: અમિત શાહ
નવી દિલ્હી: પહેલી જુલાઈથી અમલમાં આવી રહેલા નવા ક્રિમિનલ કાયદાઓમાં ટેકનોલોજી ચાવીરૂપ ભૂમિકા ભજવશે, સમન્સ એસએમએસ દ્વારા મોકલવામાં આવશે, 90 ટકા સાક્ષી વીડિયો કોલ દ્વારા નોંધવામાં આવશે અને કોર્ટ એફઆઈઆર નોંધાયાના ત્રણ વર્ષની અંદર પોતાનો ચુકાદો આપી દેશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું.
હું તમને વિશ્ર્વાસપુર્વક કહી શકું છે કે ત્રણ વર્ષ બાદ આપણી ન્યાયવ્યવસ્થા આખી દુનિયામાં સૌથી આધુનિક ફોજદારી ન્યાય વ્યવસ્થા હશે, એમ તેમણે એક સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.
ગૃહ પ્રધાન દ્વારા જ તૈયાર કરવામાં આવેલા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય એક્ટ પહેલી જુલાઈથી અમલમાં આવી રહ્યા છે. અંગ્રેજોના જમાનાના એટલે કે 1872ના ઈન્ડિયન પિનલ કોડ, ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ધ ઈન્ડિયન એવીડેન્સ એક્ટને સ્થાને આ નવા કાયદા અમલી બનશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલી વખત નવા ફોજદારી ન્યાય વ્યવસ્થાની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે. દા. ત. કોર્ટના ખટલા અને એફઆઈઆર હવે ઓનલાઈન બની જશે, કોર્ટ ડાયરી અને ચુકાદાને ડિજિટાઈઝ કરવામાં આવશે. અત્યારે છેલ્લા પાંચ વર્ષમાં અધિકારીઓ દ્વારા દેશના નવ કરોડ ગુનેગારોના ફિંગર-પ્રિન્ટ ડેટા એકઠા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….
ગુનાના સ્થળેથી ઉપાડવામાં આવેલા ફિંગર પ્રિન્ટને જો ગુનેગાર રિપીટ ઓફેન્ડર હશે તો ફક્ત સાડા સાત મિનિટમાં ગુનેગારની ઓળખ થઈ જશે.
અમે ઘણા મોટા સુધારા લાવ્યા છીએ. આ કાયદા અમલમાં આવ્યા બાદ 90 ટકા લોકોને કોર્ટમાં જવાની આવશ્યકતા રહેશે નહીં. સાક્ષીઓ ઓનલાઈન હાજર રહેશે.
આ પહેલાં સમન્સ વ્યક્તિગત રીતે ઘરે જઈને આપવામાં આવતા હતા. આવા ઘણા સુધારા નવા કાયદામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આવી જ રીતે આરોપનામા અંગે પણ સુધારા કરવામાં આવ્યા છે.
પહેલાં આરોપનામું એટલે દસ્તાવેજોનો ઢગલો કોર્ટમાં રજૂ કરવો, પરંતુ નવી વ્યવસ્થા આવ્યા પછી આરોપનામું પેન ડ્રાઈવમાં રજૂ કરવામાં આવશે અને આવી જ રીતે ચુકાદો પણ પેન ડ્રાઈવ અથવા ડિજિટલ પદ્ધતિએ આપી શકાશે.
બધા ખટલા ઓનલાઈન રહેશે. એફઆઈઆર, કોર્ટ ડાયરી, ચુકાદા પણ ડિજિટલ કરવામાં આવશે. જે ખટલામાં ઓછામાં ઓછી સાત વર્ષની સજા હોય એવા બધા જ કેસમાં ફોરેન્સિક પુરાવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
આ કાયદા અમલમાં આવ્યા બાદ એફઆઈઆર નોંધાયાના ત્રણ વર્ષની અંદર સુપ્રીમ કોર્ટમાંથી પણ ચુકાદો મળી જશે, એમ અમિત શાહે કહ્યું હતું. (પીટીઆઈ)