અમિત શાહે ઓર્ગેનિક ખાંડ, દાળ, ચોખા લૉન્ચ કર્યા
નવી દિલ્હી: સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે નવી જ રચાયેલી નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિ. (એનસીઓએલ)ની ‘ભારત ઓર્ગેનિક્સ’ બ્રાન્ડ બુધવારે લૉન્ચ કરી હતી.
આ બ્રાન્ડ ભારત અને વિદેશમાં સૌથી વિશ્ર્વસનીય બ્રાન્ડ તરીકે આ ઊભરી આવશે, એમ તેમણે કહ્યું હતું.
તુવેર દાળ, ચણા દાળ, સાકર, રાજમા, બાસમતી ચોખા અને સોનામસૂરી ચોખા જેવા છ ઓર્ગેનિક ઉત્પાદનોનું મધર ડેરીના ‘સફલ’ આઉટલેટ મારફતે તેમ જ ઑનલાઈન વેચાણ કરવામાં આવશે, એમ જણાવતાં શાહે કહ્યું હતું કે દેશભરમાં આ આઉટલેટનું રિટેલ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.
શાહે એનસીઓએલનો લોગો, બ્રોશર અને વૅબસાઈટ લૉન્ચ કર્યા હતા અને પાંચ કોઓપરેટિવ સોસાયટીને એનઓસીએલના સભ્યપદનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું.
અહીની કોઓપરેટિવ સોસાયટીઓના માધ્યમ થકી ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાને લગતા કાર્યક્રમને સંબોધન કરતાં શાહે કહ્યું હતું કે એનસીઓએલ ઓર્ગેનિક ઉત્પાદનોની ખેતી કરતા લોકો માટેનો મંચ છે.
‘ભારત ઓર્ગેનિક્સ’ બ્રાન્ડ અંતર્ગત આજે અમે છ ઉત્પાદનો લૉન્ચ કરી રહ્યા છીએ અને ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા ૨૦ સુધી લઈ જવામાં આવશે, એમ અમિત શાહે કહ્યું હતું.
પ્રારંભિક તબક્કામાં એનસીઓએલ ભારતમાં ઓર્ગેનિક ઉત્પાદનોનું વેચાણ કરશે અને બાદમાં અન્ય દેશોમાં પણ તેનું વેચાણ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)