નેશનલ

વિષ્ણુદેવ સાયને મુખ્ય પ્રધાન બનાવવાનો અણસાર અમિત શાહે ચૂંટણીસભામાં આપ્યો હતો

આદિવાસી નેતાએ સરપંચમાંથી સંસદસભ્ય બનીને ક્યારનું મોટું ગજું કાઢ્યું છે

રાજપુર : ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ચહેરા વિષ્ણુદેવ સાય છત્તિસગઢના મુખ્ય પ્રધાન બન્યા છે. રવિવારે નવા ચૂંટાયેલા ૫૪ સભ્યોના વિધાનસભા પક્ષે તેમને નેતા તરીકે ચૂંટી કાઢ્યા હતા. ગયા મહિને કુનકુરી મતદારક્ષેત્રમાં ચૂંટણીસભાને સંબોધતા કેન્દ્રના ગૃહપ્રધાન અને ભાજપના સિનિયર નેતા અમિત શાહે લોકોને વિષ્ણુને ચૂંટી કાઢવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે જો પક્ષ સત્તા પર આવશે તો તેમને ‘મોટી હસ્તી’ બનાવવામાં આવશે.

૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આદિવાસી પટ્ટામાં મોટો ફટકો પડ્યો હતો, પરંતુ આ વખતે ભાજપે ભવ્ય દેખાવ કરીને અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાયેલી ૨૯માંથી ૧૭ બેઠક જીતી હતી. ભાજપે આદિવાસીના પ્રભુત્વવાળા સરગુજાની બધી એટલે કે ૧૪ બેઠક જીતી હતી અને બીજા આદિવાસી વિસ્તાર બસ્તરમાં ૧૨માંથી આઠ બેઠક જીતી હતી. આ જીતને લીધે ભાજપ ૯૦માંથી ૫૪ સીટ જીતીને પાંચ વર્ષ પછી સત્તા પર ફરી આવ્યો છે.

વિષ્ણુદેવે તમની કારકિર્દી ગામના સરપંચ તરીકે કરી હતી. તેમણે ત્યાંથી પ્રગતિ કરીને અનેક વાર સાંસદ, કેન્દ્રીય પ્રધાન અને પક્ષમાં મહત્ત્વના હોદ્દા મેળવ્યા હતા. તેમણે કુંકરીની સરકારી સ્કૂલમાં અભ્યાસ બાદ ગ્રેજ્યુએશન માટે અંબીકાપુર ગયા હતા. જોકે તેમણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.

સરગુજાના જશપુરમાંથી ચૂંટાયેલા વિષ્ણુદેવ ભાજપના મિશનમાં બરાબર ફિટ બેસે છે કારણ કે રાજ્યની વસતિમાં ૩૨ ટકા આદિવાસી છે અને રાજ્યમાં ઓબીસી પછી આદિવાસીની બહુમતી છે.
સમૃદ્ધ રાજકીય કૌટુંબિક વારસો અને કેન્દ્રીય પ્રધાન તરીકે મહત્ત્વના ખાતાં સંભાળ્યાં હોવા છતાં વિષ્ણુ દેવ તેમની નમ્રતા, યથાર્થવાદ, કાર્યદક્ષતા અને લક્ષય સિદ્ધ કરવાની જીદ માટે જાણીતા છે.
તેમની સંગઠન ચલાવવાની કુનેહને લીધે જ તેમને ભાજપના છત્તિસગઢ એકમના વડા ત્રણ વાર બનાવવામાં આવ્યા છે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

આમ તો તેઓ નાના ગામ બગિયાના ખેડૂત છે, પરંતુ તેમને રાજકારણ વારસામાં જ મળ્યું છે. તેમના દાદા બુધનાથને ૧૯૪૭થી ૧૯૫૨ સુધી નિયુકત કરેલા વિધાનસભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમના દિવંગત કાકા નરહરી પ્રસાદ જનસંઘના સભ્ય હતા. તેઆ ેબે વાર વિધાનસભ્ય (૧૯૬૨-૬૭ અને ૧૯૬૭-૭૨) અને એક વાર સંસદસભ્ય (૧૯૭૭-૭૯) બન્યા હતા. તેમને જનતા પક્ષની સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમના બીજા દિવંગત કાકા કેદારનાથ પણ જનસંઘના સભ્ય હતા અને તપકરા (૧૯૬૭-૭૨)માંથી વિધાનસભ્ય બન્યા હતા.

સાય૧૯૯૦માં અવિભાજિત મધ્ય પ્રદેશના વિધાનસભ્ય પ્રથમ વાર બન્યા હતા અને ૧૯૯૩માં ફરી એ બેઠક જાળવી રાખી હતી. ૧૯૯૮માં તેઆ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા, પરંતુ પછી ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ એમ ચાર વાર સંસદસભ્ય બન્યા હતા. ૨૦૧૪માં મોદીના પ્રધાનમંડળમાં સ્થાન મેળવ્યા બાદ ૨૦૧૯માં તેમના સહિત ૧૦ વિદ્યમાન સંસદસભ્યની ટિકિટ કાપવામાં આવી હતી. ૨૦૨૦માં તેમને ત્રીજી વાર રાજ્ય એકમના વડા બનાવવામાં આવ્યા હતા, પરંતુ ૨૦૨૨માં તેમનું સ્થાન ઓબીસી નેતા અરૂણ સાઓએ લીધું હતું. તેમને જુલાઈમાં રાષ્ટ્રીય કારોબારીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ