Amit Shah: CAA મુસ્લિમ વિરોધી છે? સવાલ અંગે ગૃહ પ્રધાન અમિત શાહે ફરી સ્પષ્ટતા કરી મુંબઈ સમાચાર

Amit Shah: CAA મુસ્લિમ વિરોધી છે? સવાલ અંગે ગૃહ પ્રધાન અમિત શાહે ફરી સ્પષ્ટતા કરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA) ગત સોમવારથી લાગુ કરી દીધો છે, વિપક્ષ અને કેટલાક સંગઠનો આ કાયદાને ‘મુસ્લિમ વિરોધી’ ગણાવી કાયદાના અમીકરણનો વિરોધ કરી રહ્યા છે. એવામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે હું 2019થી કહેતો આવ્યો છું કે CAA લાગુ થશે.

અમિત શાહે લઘુમતી સમુદાયને વિશ્વાસ આપ્યો કે CAA કોઈની નાગરિકતા છીનવવા માટે નથી, પરંતુ નાગરિકતા આપવા માટે છે. તેમણે કહ્યું કે અખંડ ભારતનો ભાગ રહેલા દેશોના લઘુમતી સમુદાયના લોકોને નાગરિકત આપવામાં આવશે.

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, ‘મેં વિવિધ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછા 41 વાર CAA અંગે વાત કરી છે અને વિગતવાર સમજાવ્યું છે કે દેશના લઘુમતીઓને ડરવાની જરૂર નથી. આ કાયદામાં કોઈપણ નાગરિકના અધિકારો છીનવી લેવાની જોગવાઈ નથી.’

તેમણે વિપક્ષો પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગૃહ પ્રધાને કહ્યું કે વિપક્ષ માત્ર વોટ બેંક મેળવવા નિવેદનો આપી રહ્યું છે. વિપક્ષ તેના વચનો ક્યારેય પુરા નથી કરતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપે જે કહે છે એ પૂરું કરી બતાવે છે, મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે.

ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને CAAના અમલીકરણના સમય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘ઓવૈસી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત તમામ વિપક્ષી નેતાઓ જુઠ્ઠાણાની રાજનીતિ કરી રહી છે. સમયનો પ્રશ્ન જ નથી. ભાજપે 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તે CAA લાવશે અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપશે. એમાં નવું કશું નથી. સંસદમાં વર્ષ 2019માં જ CAA પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડને કારણે તેના અમલમાં વિલંબ થયો હતો. ‘

તેમણે વિપક્ષને ઘેરતા કહ્યું કે, ‘વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી, વિપક્ષ કહે છે કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરવામાં ભાજપને રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? કલમ 370 હટાવવાની બાબત પણ અમારા રાજકીય ફાયદા માટે હતી? આ ખોટો પ્રચાર છે.’

તેમણે દેશના મુસ્લિમોને આશ્વાસન આપતા કહ્યું કે, ‘લઘુમતીઓ અથવા અન્ય કોઈ સમુદાય વ્યક્તિએ ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. CAA માત્ર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને અધિકાર અને નાગરિકતા આપવા માટે છે.’

જ્યારે ગૃહ પ્રધાનને પૂછવામાં આવ્યું કે CAAમાં મુસ્લિમોને નાગરિકતા આપવાની કોઈ જોગવાઈ કેમ નથી? આ અંગે તેમણે કહ્યું કે, ‘જે દેશો અખંડ ભારતનો હિસ્સો હતા, ત્યાનાં લઘુમતી સમુદાય પર અત્યાચાર થયા, તેમને ભારતમાં આશ્રય મળવો જોઈએ અને આ અમારી નૈતિક અને બંધારણીય જવાબદારી છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે. દરવાજા કોઈ માટે બંધ નથી. જો કે નાગરિકતા માટેની અરજીમાં સમય લાગી શકે છે. સમય મુજબ ભારત સરકાર તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. દસ્તાવેજોનું ઓડિટ કર્યા પછી સરકાર ઇન્ટરવ્યુ માટે બોલાવશે 15 ઓગસ્ટ 1947 થી 31 ડિસેમ્બર 2014 વચ્ચે આવેલા તમામ લોકોનું અહીં સ્વાગત છે.’

અમિત શાહે કહ્યું, ‘જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં 23% હિંદુ અને શીખ હતા, પરંતુ હવે માત્ર 3.7% જ બચ્યા છે. એ બધા ક્યાં ગયા? તેઓ અહીં પાછા ફર્યા નથી. તેમને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવ્યું, તેમનું અપમાન કરવામાં આવ્યું, તેમને બીજા વર્ગના નાગરીકો બનાવી દેવામાં આવ્યા. તેઓ ક્યાં જશે? શું સંસદ તેમના વિશે વિચારશે નહીં? જો હું બાંગ્લાદેશની જ વાત કરું તો 1951માં અહીં હિન્દુઓની વસ્તી 22 ટકા હતી, પરંતુ આજે તે ઘટીને 10 ટકા થઈ ગઈ છે. એ લોકો ક્યાં ગયા?’

સંબંધિત લેખો

Back to top button