નેશનલ

બંગાળમાં ‘ટોલ સિન્ડિકેટ’ અને ઘૂસણખોરીના દિવસો હવે ગણતરીના: અમિત શાહે TMC ને ફેંક્યો પડકાર

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (west bengal) આગામી વિધાનસભા ચૂંટણીઓને (Assembly elections) લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (amit shah) વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ૨૦૨૬માં ભાજપ રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવશે. તેમણે ભાજપના વધતા જતા વોટ શેર અને બેઠકોના આંકડા ટાંકીને જણાવ્યું હતું કે, ૨૦૧૬માં માત્ર ૩ બેઠકો મેળવનાર ભાજપ પાંચ જ વર્ષમાં ૭૭ બેઠકો સુધી પહોંચી ગઈ છે, જ્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો શૂન્ય પર આવી ગયા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૩૯% મતો મેળવ્યા બાદ હવે ભાજપ આગામી ચૂંટણીમાં બે-તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.

ગૃહ પ્રધાને મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં બંગાળમાં માત્ર ડર, ભ્રષ્ટાચાર અને કુશાસન જ જોવા મળ્યું છે. ઘૂસણખોરીના કારણે રાજ્યના નાગરિકોમાં સતત ચિંતાનો માહોલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મોદી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અહીં ‘ટોલ સિન્ડિકેટ’નો શિકાર બની ગઈ છે, જેના કારણે બંગાળનો વિકાસ અટકી ગયો છે. શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે એપ્રિલ ૨૦૨૬ પછી બંગાળમાં પરિવર્તનનો સૂર્યોદય થશે.

બંગાળની જનતાને ખાતરી આપતા અમિત શાહે વચન આપ્યું હતું કે ભાજપ સરકાર રચાયા બાદ બંગાળના ગૌરવશાળી વારસા અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં આવશે. તેમણે કહ્યું, “અમે ગરીબ કલ્યાણને પ્રાથમિકતા આપીશું અને વિકાસની સરવાણી વહેવડાવીશું. ઘૂસણખોરી રોકવા માટે એક નેશનલ ગ્રિડનું નિર્માણ કરવામાં આવશે.” તેમણે ભાવુકતા સાથે ઉમેર્યું કે, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાન નેતાની આ ભૂમિ ભાજપ માટે અત્યંત મહત્વની છે, કારણ કે આ પક્ષના પાયામાં બંગાળના સંસ્કારો રહેલા છે.

તેમણે આગામી સમયને બંગાળ માટે અત્યંત નિર્ણાયક ગણાવતા કહ્યું હતું કે અત્યારથી લઈને એપ્રિલ ૨૦૨૬ સુધીનો સમય રાજ્યનું ભવિષ્ય નક્કી કરશે. ભ્રષ્ટાચાર અને ભયની ઓળખ બની ગયેલા પશ્ચિમ બંગાળને ફરીથી સમૃદ્ધ બનાવવાની ભાજપની પ્રતિબદ્ધતા છે.

આ પણ વાંચો…અમિત શાહે ગુજરાતમાં કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર: રાહુલ બાબા થાકશો નહીં, હજી બંગાળમાં પણ હારવાનું છે…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button