નેશનલ

અમિત શાહે ૬૦ કરોડ ગરીબોના વિકાસને નરેન્દ્ર મોદીની સિદ્ધિ ગણાવી

અમદાવાદ: ૬૦ કરોડ ગરીબ લોકોનું ઉત્થાન એ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું કામ છે તેમ ભારપૂર્વક જણાવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ગરીબ ગ્રામીણ નાગરિકો દેશના આર્થિક વિકાસના સૌથી મોટા લાભાર્થી હોવા જોઈએ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી ઔદ્યોગિક વસાહતમાં મિનિ-ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને ૫૫૦ પથારીની હોસ્પિટલ સહિતના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સાણંદ જીઆઇડીસી ખાતે આવનારી
આઇટીઆઇ ફેક્ટરીઓની જરૂરિયાત મુજબ સ્થાનિક લોકોને કૌશલ્યની તાલીમ આપશે જેથી તેઓ ઔદ્યોગિક વસાહતમાં સ્થિત એકમોમાં નોકરી મેળવી શકે.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ચંદ્રયાને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું છે એમ તેમણે કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓની યાદી આપતા જણાવ્યું હતું.

મોદીજીએ નવું સંસદ ભવન બનાવરાવ્યું, વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કર્યા, અનેક પહેલ કરી, પરંતુ સૌથી મોટું કામ જો તેમણે કોઇ કર્યું હોય તો તે છે ૬૦ કરોડ ગરીબ લોકોના પ્રગતિ-ઉત્થાન માટેનું કાર્ય તેમ કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે મોદીજી વડા પ્રધાન બન્યા તે પહેલાં ગરીબો તેમના ઘરમાં શૌચાલયની કલ્પના પણ કરી શકતા ન હતા, પરંતુ આજે ૧૦ કરોડથી વધુ ઘરોમાં શૌચાલય છે, જે મહિલાઓનું સશક્તિકરણ કરે છે.

કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતના ૧૩૦ કરોડ લોકો વિશે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ મોદીએ વાઇરસ સામે લડવા માટેની રસી બનાવવા માટે વૈજ્ઞાનિકોને પ્રેરણા અને સમર્થન આપ્યું હતું. મોદીએ કોવિડ-૧૯થી દેશને બચાવવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો તેવું નિવેદન કેન્દ્રીય ગૃહપ્રધાને આપ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button