
રાયપુર: દેશના સતત ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી રહી છે. જેમાં છત્તીસગઠમાં શનિવારે 51 ખૂંખાર નકસલીઓએ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. તેમજ રાજ્યમાં હવે નકસલવાદનો સફાયો ઝડપથી થવાના સંકેત મળી રહ્યા છે.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના સ્થાપના દિવસે નકસલવાદ માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમજ કહ્યું કે નક્સલવાદને ફક્ત કાયદો વ્યવસ્થા કે વિકાસ સાથે જોડવો યોગ્ય નથી.
આદિવાસીઓના હાથમાં શસ્ત્રો આપી દીધા
અમિત શાહે જણાવ્યું કે. બંદૂકથી નક્સલવાદનો ઉકેલ લાવવાનો વિચાર ભારતીય બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, હું પુરાવા સાથે કોઈપણ સાથે ચર્ચા કરી શકું છું કે આ સમસ્યા ફક્ત વિકાસ કે કાયદો અને વ્યવસ્થાની નથી. જો તે ફક્ત વિકાસનો અભાવ હોત, તો તેને નકસલવાદ કેમ કહેવામાં આવ્યો. આ એક એવી વિચારધારા છે જેણે ગરીબ આદિવાસીઓના હાથમાં શસ્ત્રો આપી દીધા છે અને તેમનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. તેમણે યાદ અપાવ્યું કે નકસલવાદ ફેલાયો તે પૂર્વે બસ્તરના આંકડા ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા જિલ્લાઓ કરતા સારા હતા.

કોંગ્રેસ સરકારે નકસલવાદને ગંભીરતાથી ના લીધો
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું કે, રાજ્યની શરૂઆતમાં કોંગ્રેસના શાસન દરમિયાન ફક્ત અત્યાચાર, રમખાણો અને અસંખ્ય વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે નક્સલવાદ 12 રાજ્યોમાં ફેલાયેલી એક ગંભીર સમસ્યા હતી. પરંતુ કેન્દ્રમાં તત્કાલીન કોંગ્રેસ સરકારોએ તેને ગંભીરતાથી લીધી ન હતી.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહની પ્રશંસા કરી
જયારે ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહની પ્રશંસા કરતા કહ્યું કે તેમના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે છત્તીસગઢને ‘બિમારુ’ રાજ્યની શ્રેણીમાંથી બહાર કાઢ્યું. ડૉ. રમણ સિંહે વિકાસના દરેક પાસામાં રાજ્યને આગળ ધપાવ્યું અને નક્સલી વિચારધારા સામે દૃઢતાથી લડ્યા. તેમજ મર્યાદિત સંસાધનો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેમણે નક્સલવાદને નોંધપાત્ર રીતે કાબુમાં લીધો.

રાજ્યના બજેટમાં 30 ગણો વધારો
રાજ્યની આર્થિક પ્રગતિની વિગતો આપતા અમિત શાહે કહ્યું કે છત્તીસગઢનું વાર્ષિક બજેટ 2000 ની સરખામણીમાં 2025 સુધીમાં 30 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે દેશના અન્ય કોઈ રાજ્યમાં આટલો વિકાસ થયો નથી.



