
નવી દિલ્હી: લોકસભામાં બોલતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 24 બેઠકો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખવામાં આવી છે કારણ કે તે ભારતની છે.
ગૃહમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું હતું કે અગાઉ જમ્મુમાં 37 બેઠકો હતી, પરંતુ હવે તેની પાસે 43 છે. દરમિયાન કાશ્મીરમાં 46 બેઠકો હતી, હવે 47 છે. દરમિયાન લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ મુદ્દે જોરદાર ચર્ચા કરવામાં આવ્યા પછી પસાર કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર માટે 24 બેઠક પણ અનામત રાખવામાં આવી છે.
બુધવારે, અમિત શાહે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા – જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023.
ગૃહમાં બિલ વિશે બોલતા અમિત શાહે કહ્યું, “જ્યારે તેઓ (કાશ્મીરી પંડિતો) વિસ્થાપિત થયા હતા, ત્યારે તેઓને તેમના દેશમાં શરણાર્થી તરીકે રહેવાની ફરજ પાડવામાં આવી હતી. લગભગ 46,631 પરિવાર તેમના જ દેશમાં વિસ્થાપિત થયા હતા. આ બિલ તેમને અધિકારો મેળવવા માટે છે. આ બિલ તેમને પ્રતિનિધિત્વ આપવા માટે છે.”અમિત શાહે કહ્યું કે આ બિલનો ઉદ્દેશ્ય એવા લોકોને ન્યાય આપવાનો છે જેઓ છેલ્લા 70 વર્ષથી વંચિત હતા.
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 1980 પછી આતંકવાદનો યુગ હતો અને તેને રોકવા માટે જવાબદાર લોકો ઈંગ્લેન્ડમાં વેકેશન માણી રહ્યા હતા.