મમતા બેનરજી વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરી રહ્યા હોવાનો અમિત શાહનો આરોપ
કાંથિ (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવાનો અને ઘૂસણખોરોને રાજ્યની ડેમોગ્રાફી બદલવાની મંજૂરી આપવાનું પાપ કરવાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આરોપ લગાવ્યો હતો.
પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથિ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા શાહે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ભાજપે 30 લોકસભા બેઠકો જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ વિખેરાઇ જશે અને મમતા બેનરજી સરકારની વિદાય થઇ જશે.
તેમણે કહ્યું હતું કે બંગાળ ઘૂસણખોરો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ઘૂસણખોરીના કારણે રાજ્યની ડેમોગ્રાફી બદલાઈ રહી છે, જેની અસર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર દેશ પર થઇ રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી ઘૂસણખોરોને બંગાળની ડેમોગ્રાફી બદલવાની મંજૂરી આપીને પાપ કરી રહ્યા છે અને તેઓ વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે.
આ પણ વાંચો :ભાજપને પાંચ તબક્કામાં 310 બેઠક મળી ગઈ છે: અમિત શાહ
શાહે મમતા બેનરજીએ તાજેતરમાં જ આપેલા નિવેદનની ટીકા કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘના કેટલાક સંત ભાજપના નિર્દેશ અનુસાર કામ કરી રહ્યા છે. શાહે કહ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસ વોટ બેન્કને ખુશ કરવા માટે આ સામાજિક અને ધાર્મિક સંગઠનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ગૃહ પ્રધાને કહ્યું હતું કે મમતા બેનરજી ભારત સેવાશ્રમ સંઘ પર પ્રહારો કરી રહી છે, પરંતુ તેઓ નથી જાણતા કે જો આ સંઘ ન હોત તો બંગાળ બાંગ્લાદેશનો ભાગ હોત. તે માત્ર પોતાની વોટ બેન્કને ખુશ કરવા માટે સંતો પર હુમલો કરી રહી છે.