નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

અલવિદા Amin Sayani: તમને ખબર છે અમીન સયાની ગુજરાતી મિડિયમમાં ભણ્યા હતા?

આજે વિશ્વ માતૃભાષા દિવસ World mothertongue Day છે, પણ દુઃખની વાત તો એ છે કે માતૃભાષાને મજબૂત બનાવવા જે સૌથી વધારે જરૂરી છે તેવી માતૃભાષાની સ્કૂલો બંધ થઈ રહી છે. કમનસીબે ગુજરાતી ભાષાની બાબતમાં પણ આવું છે. ગુજરાતી માધ્યમમાં ભણેલું બાળક અંગ્રેજી સારું બોલી શકશે નહીં તેવી માન્યતા ઘર કરી ગઈ છે તો અને ગુજરાતીઓની હિન્દીની હંમેશાં ઠેકડી ઉડાવવામાં આવતી હોય છે, પરંતુ જેમણે અંગ્રેજી અને હિન્દી ભાષાના પ્રેઝન્ટર-એંકર તરીકે કામ કરી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી તે અમીન સયાની ગુજરાતી ભાષી પરિવારમાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ તેમણે ગુજરાતીમાં જ લીધું હતું. કેવા સંજોગ છે કે જેમણે દેશની ભાષા હિન્દીમાં જાદુ વિખેર્યો તે રેડિયોની દુનિયાના બેતાજ બાદશાહ અમીન સયાની Amin Sayani આપણને આજે જ છોડીને જતા રહ્યા. લગભગ છ દાયકા સુધી દર્શકોના હૃદય પર એકહથ્થુ શાસન જમાવનારા અમીન સયાનીનો એક ઈન્ટરવ્યુ સ્ક્રીપ્ટ રાઈટર રાકેશ આનંદ બક્ષીએ લીધો હતો અને તેમાં તેમના જીવનના ઘણા પાંસા વણાયા હતા. તો થોડી વાતો અમે તમારી સાથે શેર કરીએ છીએ. આ ઈન્ટરવ્યુ Let’s Talk on Air: Conversations with Radio Presenters નામના પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સયાની ગુજરાતી ભાષી મુસ્લિમ પરિવારમાં મુંબઈમાં 21 ડિસેમ્બર, 1932માં જનમ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારું પ્રાથમિક શિક્ષણ ન્યૂ એરા સ્કૂલમાં થયું જ્યાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી હતું અને પાંચમાં ધોરણથી અંગ્રેજી ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સયાનીના માતા કુલસુમને મહાત્મા ગાંધી Mahatma Gandhi પોતાની પુત્રી માનતા અને તેમના કહેવાથી તેમણે દેનગરી, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં જર્નલ ચાલુ કર્યું હતું જેનું નામ રાહબર Rahber હતું. અમીન સયાની નાની ઉંમરથી આ જર્નલ સાથે જોડાયા હતા. ત્યારબાદ તેમણે અન્ય એક સ્કૂલ જોઈન કરી અને 13 વર્ષની ઉંમરે તેઓ અંગ્રેજી બ્રોડકાસ્ટર બની ગયા હતા. તેમણે રેડીયોના પ્રોગ્રામ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને પછી તો તેઓ રેડિયો પ્લે, ડિસ્કશન્સ વગેરેમાં ભાગ લેતા થઈ ગયા. પુસ્તક અનુસાર અમુક કારણોસર તેમણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં મોકલવામાં આવ્યા.

સ્વતંત્રતા બાદ તેઓ મુંબઈ પરત આવ્યા ત્યારે તેમણે સીધો ઓલ ઈન્ડિયા રેડિયોનો સંપર્ક સાધ્યો અને હિન્દી સેક્શનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે તેમના હાથે નિરાશા આવી. તેમને કહેવામાં આવ્યું કે સ્ક્રીપ્ટ તો તમે સારી વાંચી, પણ તમારી હિન્દીમાં અંગ્રેજી અને ગુજરાતીના ઉચ્ચારણની અસર વર્તાઈ છે, આથી તમને આ કામ નહીં મળે. જોકે સાયાનીએ આશા ન છોડી.

બ્રિટિશરોએ સિલોન cylon છોડ્યું ત્યારે રેડિયો સર્વિસ સિલોનના હાથમાં આવી અને ત્યારબાદ અહીં હિન્દી ભાષામાં સેવા શરૂ કરવામાં આવી.


આ એ જ સમય હતો જ્યારે કોઈ અજાણ્યા કારણોસર તત્કાલીન ભારતીય કેન્દ્રીય પ્રધાન બી.વી. ભાસ્કરએ તમામ હિન્દી ગીતો રેડીયો પર વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને હજારો રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. આને લીધે ઓલ ઈન્ડિયા રેડિયો All India Radio (AIR)નાં શ્રોતા ખૂબ નારાજ હતા અને તે જ સમયે રેડિયો સિલોન લોકપ્રિય થયું.


આ સમયે ડેનિયલ મોલીનાએ પ્રાઈવેટ રેડિયો એડવર્ટાઈઝીંગ એજન્સી શરૂ કરી. તેમણે અમીનના ભાઈ હમીદને સાથે લીધા. હમીદે પહેલા તો તેને હિન્દી સુધારવા કહ્યું પણ પછીથી અમીનને ફુલવારી પ્રોગ્રામના પ્રસ્તુતકર્તા-એંકર તરીકે કામ મળ્યું, ત્યારબાદ અમીને બિનાકા ગીતમાલા Binaca Geetmala શરૂ કરી અને ઈતિહાસ રચી દીધો જે સદીઓ સુધી લોકોને યાદ રહેશે. સિલોન રેડિયો પરનો કાર્યક્રમ 1952માં શરૂ થયો હતો. ત્યારબાદ વિવિધભારતી પર આ પ્રકારના પ્રોગ્રામની શરૂઆત થઈ. આમ 1952થી શરૂઆત થઈ 2003 સુધી થોડા થોડા અંતરાલ સાથે આ પ્રોગ્રામ ચાલ્યો અને લોકોએ ખૂબ જ પ્રેમથી વધાવ્યો. સયાનીના કાર્યક્રમે રેડિયો સાંભળવાનું છોડી દીધેલા લાખો લોકોને ફરી રેડિયો કાન સાથે ચોંટાડી ચાલતા કરી મૂક્યા.


પોતાના એકરીંગ માટે તેમણે સાત સૂત્રો રાખ્યા હતા સહી-શુદ્ધ, સત્ય-સાચુ, સરળ, સ્પષ્ટ, સભ્ય, સુંદર અને સ્વાભાવિક.


તો તમે ક્યા માધ્યમમાં ભણો છો તે મહત્વનું નથી, પરંતુ તમને મળેલું ભણતર તમે કઈ રીતે ઉપયોગમાં લો છો તે મહત્વનું છે. અમીન ક્યારેય હિન્દી માધ્યમમાં ભણ્યા નથી, પરંતુ તેમની ઓળખ હિન્દીભાષી એન્કર તરીકે જ થઈ અને આ કામે તેમને વિશ્વમાં ખ્યાતિ અપાવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions Nita Ambani: Stuns in Printed Saree with Mukesh & Kokilaben Ambani