રેડિયોની દુનિયાના અવાજના જાદુગર અમીન સયાનીનું નિધન
મુંબઇ : લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ગીતમાલાના પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું મંગળવારે અવસાન થયું હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.
તેમના પુત્ર રાજિલ સયાનીએ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમીન સયાનીનું મંગળવારે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા.
રેડિયો સિલોન પરથી આવતા કાર્યક્ર્મ બીનાકા અને પછી સિબાકા ગીતમાલાને પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને એમણે અત્યંત લોકપ્રિય બનાવ્યો હતો. આ કાર્યક્ર્મ રેડિયો સિલોન અને ત્યાર બાદ ઓલ ઇન્ડિયા રેડિયો પર કુલ ૪૨ વર્ષ ચાલ્યો હતો.
એમનાં અંતિમ સંસ્કાર ગુરુવારે થશે કારણ કે પરિવાર એમના કેટલાક સંબંધીઓ મુંબઈ પહોંચે તેની રાહ જોઈ રહ્યો છે.
રાજિલએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે તેમના પિતાને
હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ તેમને મુંબઈની એચએન રિલાયન્સ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. હૉસ્પિટલના ડૉકટરોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચાવી શક્યા નહોતા.
અમીન સયાનીએ ૧૯૫૧થી અત્યાર સુધીમાં ૫૪,૦૦૦થી વધુ રેડિયો પ્રોગ્રામ્સ અને ૧૯,૦૦૦ સ્પોટ/જિંગલ્સનું નિર્માણ, સંકલન કર્યું છે.
સયાનીએ ભૂત બંગલા, તીન દેવિયા, બોક્સર અને કાતીલ જેવી વિવિધ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ બધી ફિલ્મોમાં એમણે કેટલીક ઈવેન્ટ્સમાં એનાઉન્સરની ભૂમિકા ભજવી હતી.