કન્નડ અને તમિલ વિવાદ વચ્ચે કમલ હાસન ડીએમકેની મદદથી રાજ્યસભા એન્ટ્રી કરશે

નવી દિલ્હી : કન્નડ અને તમિલ ભાષાઓના વિવાદમાં ફસાયેલા અભિનેતા કમલ હાસન હવે સંસદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ રાજ્યસભા માટેના તેમના ક્વોટામાંથી કમલ હાસનને એક બેઠક આપી છે. મંગળવારે ડીએમકેએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કમલ હાસનની પાર્ટીને ટિકિટ આપવાની જાહેરાત
ડીએમકેએ પોતાના ક્વોટાની 4 બેઠકોમાંથી એક બેઠક કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમને આપવાની જાહેરાત કરી છે. ડીએમકેના અન્ય ત્રણ નામોમાં વરિષ્ઠ વકીલ પી વિલ્સન, કવિ અને લેખક સલમા અને ભૂતપૂર્વ મંત્રી એસઆર શિવલિંગમનો સમાવેશ થાય છે.
ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બેંગલુરુમાં તેમની આગામી ફિલ્મ ‘ઠગ લાઈફ’ના પ્રમોશન દરમિયાન અભિનેતા કમલ હાસન દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો છે. કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર સહિત ઘણા કન્નડ સંગઠનો અને નેતાઓ દ્વારા તેમની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી છે. ત્યારે તમિલનાડુની શાસક પાર્ટી ડીએમકે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
19 જૂને તમિલનાડુની છ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી
૧૯ જૂને તમિલનાડુની છ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. વર્તમાન સભ્યોમાં અંબુમણિ રામદાસ (પીએમકે), એન. ચંદ્રશેખરન (એઆઈએડીએમકે), મોહમ્મદ અબ્દુલ્લા (ડીએમકે), એમ. શનમુગમ (ડીએમએલ), પી. વિલ્સન (ડીએમકે) અને વૈકો (એમડીએમકે)નો સમાવેશ થાય છે, જેમનો કાર્યકાળ જુલાઈમાં સમાપ્ત થાય છે.
જોકે, આ ચૂંટણીઓ રાજ્યસભા બેઠકોની સંખ્યામાં કોઈ મોટો ફેરફાર લાવે તેવી શક્યતા નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે રાજ્યસભા ચૂંટણીઓ માટે જાહેરનામું 2 જૂને બહાર પાડવામાં આવશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે.
આપણ વાંચો: ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની વિચારણા, ઘરમાંથી મળી હતી બળેલી ચલણી નોટો
તમિલનાડુમાં ખાલી પડી રહેલી છ બેઠકોનું ગણિત
નોમિનેશન પત્રો ભરવાની છેલ્લી તારીખ 9 જૂન છે. જો દાખલ કરાયેલા નોમિનેશન પત્રોની સંખ્યા ખાલી પડી રહેલી બેઠકોની સંખ્યા જેટલી હોય તો તે જ દિવસે પરિણામો જાહેર કરી શકાય છે. તમિલનાડુમાં ખાલી પડી રહેલી છ બેઠકોમાંથી ત્રણ ડીએમકે પાસે છે અને એક ગઠબંધન ભાગીદાર એમડીએમકે પાસે છે. આ ઉપરાંત બે અન્ય બેઠકો એઆઈડીએમકે અને તેના ગઠબંધન ભાગીદાર પીએમકે પાસે છે.