નેશનલ

અમેરિકા અને ચીનનાં યુદ્ધવિમાનો અથડાતાં બચ્યાં

બેંગકોક: અમેરિકાના લશ્કરે દાવો કર્યો હતો કે દક્ષિણ ચીનના દરિયાઇ વિસ્તાર પરથી ઊડી રહેલા અમેરિકાના ‘બી-ફિફ્ટિટૂ બૉમ્બર’ની અંદાજે ૧૦ ફૂટ નજીક ચીનનું એક લડાયક વિમાન આવી ગયું હતું, પરંતુ તેઓ વચ્ચેની અથડામણ ટળતા મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. ચીન અને અમેરિકા દક્ષિણ ચીનના દરિયાઇ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા સતત પ્રયાસ કરી રહ્યા છે અને આ જળવિસ્તારને મુદ્દે ચીનનો અન્ય અનેક દેશ સાથે વિવાદ ચાલી રહ્યો છે.

અમેરિકાના હિંદ-પ્રશાંત મહાસાગરમાંના લશ્કરી મથક (ઇન્ડો-પેસિફિક કમાંડ)એ ગુરુવારે મોડી રાતે બહાર પાડેલા નિવેદનમાં આ સંબંધમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે અમેરિકાના હવાઇદળના ‘બી-ફિફ્ટિટૂ બૉમ્બર’ની અંદાજે ૧૦ ફૂટ નજીક ચીનનું બે એન્જિનવાળું લડાયક વિમાન (શેન્યાંગ જે-૧૦) આવી ગયું હતું. ચીનનું આ વિમાન અમેરિકાના વિમાનની નીચે બહુ ઝડપથી ઊડતું હતું. એક સમયે બન્ને વિમાન અથડાવાની શક્યતા ઊભી થઇ હતી.

તેણે સવાલ કર્યો હતો કે શું ચીનના લડાયક વિમાનના પાઇલટને તે અમેરિકાના વિમાનની કેટલી નજીક હતો, તેની ખબર પણ નહોતી? આ ઘણી ચિંતાજનક બાબત ગણાય.
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના લશ્કરના આ આક્ષેપનો તાત્કાલિક કોઇ જવાબ નહોતો આપ્યો.

અગાઉ, આવી દુર્ઘટના ગયા મેમાં પણ બની હતી અને ત્યારે ચીનની સરકારે અમેરિકાના આવા આક્ષેપને નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકાએ દક્ષિણ ચીનના દરિયાઇ વિસ્તારમાં લડાયક વિમાનો ઉડાડવા ન જોઇએ. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button